wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


1 કરિંથીઓને પ્રકરણ 3
  • 1 ભાઈઓ અને બહેનો, ભૂતકાળમાં હું તમારી સાથે વાતચીત નહોતો કરી શક્યો જે રીતે હું આધ્યાત્મિક માણસો સાથે વાતચીત કરું છું. મારે તમારી સાથે દુન્યવી માણસોની રીતે વાતચીત કરવી પડેલી-ખ્રિસ્તમાં બાળકોની જેમ.
  • 2 જે શિક્ષણ મેં તમને આપેલું તે દૂધ જેવું હતું, અને નક્કર આહાર જેવું ન હતું. મેં આમ કર્યુ કારણ કે નક્કર આહાર માટે તમે તૈયાર ન હતા. અને અત્યારે પણ તમે નક્કર આહાર માટે તૈયાર નથી.
  • 3 હજુ સુધી તમે આધ્યાત્મિક માનવી નથી. તમારામાં ઈર્ષ્યા અને વિવાદ છે. આ દર્શાવે છે કે તમે આધ્યાત્મિક બન્યા નથી. તમે તો દુન્યવી માણસો જેવું જ વર્તન કરો છો.
  • 4 તમારામાંનો એક કહે છે કે, “હું પાઉલને અનુસરું છું.” અને કોઈ વ્યક્તિ કહે છે કે, “હું અપોલોસને અનુસરું છું.” જ્યારે તમે આવી બાબતો કહો છો, ત્યારે તમે દુન્યવી માણસો જેવું જ વર્તન કરો છો.
  • 5 શું આપોલોસ મહત્વપૂર્ણ છે? ના! શું પાઉલ મહત્વપૂર્ણ છે? ના! અમે તો ફક્ત દેવના સેવકો છીએ જેણે તમને વિશ્વાસ કરવામાં મદદ કરી. અમારામાંના પ્રત્યેક જણે દેવે અમને જે કામ સોંપ્યું હતું તે કર્યુ.
  • 6 મેં બીજ વાવ્યાં અને અપોલોસે તેને પાણી સિંચ્ચુ. પરંતુ દેવે તે બીજ અંકુરિત કર્યુ.
  • 7 તેથી જે વ્યક્તિ વાવણી કરે છે તે મહત્વપૂર્ણ નથી. અને જે વ્યક્તિ જળસિંચન કરે છે તે પણ મહત્વપૂર્ણ નથી. ફક્ત દેવ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે જ બીજને અંકુરિત કરે છે.
  • 8 જે વ્યક્તિ વાવે છે અને જે વ્યક્તિ જળ સિંચે છે તેમનો હેતુ તો સરખો જ છે. અને પ્રત્યેક વ્યક્તિને તેના કામનો બદલો મળશે.
  • 9 આપણે દેવ માટેના સહકાર્યકરો છીએ અને તમે દેવની માલિકીનું ખેતર છો. અને તમે દેવની માલિકીનું મકાન છો.
  • 10 એક કુશળ કારીગરની જેમ મેં મકાનનો પાયો નાખ્યો. આમ કરવા માટે મેં દેવે આપેલા કૃપાદાનનો ઉપયોગ કર્યો.બીજા લોકો તે પાયા પર બાંધકામ કરી રહ્યા છે. પણ દરેક વ્યક્તિએ તે કેવી રીતે બાંધે છે તેની કાળજી રાખવી જોઈએ.
  • 11 પાયાનું તો ક્યારનું ય ચણતર થઈ યૂક્યું છે. કોઈ પણ વ્યક્તિ બીજો પાયો બનાવી શકે નહિ. પાયો કે જે ક્યારનો ય ચણાઈ ચૂક્યો છે તે ઈસુ ખ્રિસ્ત છે.
  • 12 તે પાયા પર વ્યક્તિ સોનું, ચાંદી, સમૂલ્ય પથ્થર, લાકડું ઘાસ કે પરાળ વગેરેનો ઉપયોગ કરીને બાંધકામ કરી શકે.
  • 13 પરંતુ પ્રત્યેક વ્યક્તિ જે કામ કરશે તે સ્પષ્ટપણે દેખાશે કારણ કે તે દિવસ તેને પ્રગટ કરશે. તે દિવસઅગ્રિની જવાળાઓ સહિત પ્રગટ થશે અને અગ્રિ પ્રત્યેક વ્યક્તિના કાર્યને પારખશે.
  • 14 જો કોઈ પણ વ્યક્તિનું મકાન તેના પાયા પર ટકશે તો તે વ્યક્તિને તેનો બદલો મળશે.
  • 15 પરંતુ જો તે વ્યક્તિનું મકાન આગમાં બળી જશે તો તેને નુકશાન ભોગવવું પડશે. તે વ્યક્તિ બચી તો જશે પરંતુ તે અજ્ઞિમાંથી તેની જાતને બચાવ્યા જેવું હશે.
  • 16 તમારે જાણવું જોઈએ કે તમે પોતે જ દેવનું મંદિર છો. દેવનો આત્મા તમારામાં નિવાસ કરે છે.
  • 17 જો કોઈ પણ વ્યક્તિ દેવના મંદિરનો વિનાશ કરશે તો દેવ તે વ્યક્તિનો વિનાશ કરશે. શા માટે? કારણ કે દેવનું મંદિર પવિત્ર છે. તમે પોતે જ દેવનું મંદિર છો.
  • 18 તમારી જાતને મૂર્ખ ન બનાવો. જો તમારામાંનો કોઈ એમ વિચારે કે દુનિયામાં તે જ્ઞાની છે, તો તેણે જ્ઞાની થવા મૂર્ખ બનવું. પછી જ તે વ્યક્તિ વાસ્તવમાં જ્ઞાની બની શકશે.
  • 19 શા માટે? કારણ કે આ દુનિયાનું જ્ઞાન તો દેવ માટે મૂર્ખતા સમાન છે કારણ કે તે શાસ્ત્રલેખમાં લખેલ છે કે, “તે જ્ઞાની માણસોને જ્યારે તેઓ પ્રપંચો કરે છે, ત્યારે પકડે છે.”
  • 20 શાસ્ત્રલેખોમાં તો આવું પણ લખેલું છે કે, “પ્રભુ જ્ઞાની માણસોને વિચારોને જાણે છે. તે એમ પણ જાણે છે કે તેમના વિચારોનું કશું જ મૂલ્ય નથી.”
  • 21 તેથી તમારે માણસો વિષે બડાશ મારવી જાઈએ નહિ. દરેક વસ્તુઓ તમારી જ છે.
  • 22 પાઉલ, અપોલોસ અને કેફા: વિશ્વ, જીવન, મૃત્યુ, વર્તમાન તેમજ ભવિષ્ય-આ બધી જ વસ્તુઓ તમારી છે.
  • 23 અને તમે ખ્રિસ્તના છો અને ખ્રિસ્ત દેવનો છે.