wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


1 થેસ્સલોનિકીઓને પ્રકરણ 2
  • 1 ભાઈઓ અને બહેનો, તમે જાણો છો કે અમારી તમારી સાથેની મુલાકાત નિષ્ફળ નહોતી નીવડી.
  • 2 અમે તમારી પાસે આવ્યા તે પહેલા, ફિલિપ્પીમાં અમારે ઘણું સહન કરવું પડયું હતું, ત્યાંના લોકો અમારા વિષે ઘણા કટુવચનો બોલ્યા. તમે આ બધા વિષે જાણો છો. અને અમે જ્યારે તમારી પાસે આવ્યા ત્યારે, ઘણા લોકો અમારી વિરૂદ્ધ હતા. પરંતુ આપણા દેવે અમને હિંમતવાન બનાવ્યા અને દેવ તેની સુવાર્તા તમને કહેવામાં અમને મદદરુંપ થયો.
  • 3 અમે લોકોને બોધ આપીએ છીએ. કોઈએ પણ અમને મૂર્ખ બનાવ્યા નથી. અમે દુષ્ટ નથી. અમે લોકોને છેતરવાનો પ્રયત્ન કરતાં નથી. અમે જે કરીએ છીએ તે માટે અમારા કારણો નથી.
  • 4 ના. અમે સુવાર્તા આપીએ છીએ કારણ કે સુવાર્તા આપવા માટે દેવે અમારી પરીક્ષા કરી છે અને અમારા પર વિશ્વાસ મૂક્યો છે. તેથી જ્યારે અમે બોલીએ છીએ ત્યારે દેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીએ છીએ, નહિ કે માણસોને. દેવ એ એક છે જે અમારાં હૃદયોનો પારખનાર છે.
  • 5 તમે જાણો છો કે તમારા વિષે સારું બોલીને તમારી પ્રશંસા કરવાનો અમે કદ્દી પ્રયત્ન કર્યો નથી. અમારે તમારા પૈસા નથી જોઈતા કે તમારા થકી અમારે અમારો કોઈ સ્વાર્થ છુપાવાનો નથી. દેવ જાણે છે કે આ સત્ય છે.
  • 6 અમે લોકો તરફથી, તમારા તરફથી, કે બીજા કોઈ તરફથી પ્રસંશાની અપેક્ષા નથી રાખતા.
  • 7 અમે ખ્રિસ્તના પ્રેરિતો છીએ. અને તેથી અમે જ્યારે તમારી પાસે હતા ત્યારે, તમારી પાસે અમુક કામ કરાવવા માટે અમે અમારી સત્તાનો ઉપયોગ કરી શક્યા હોત. પરંતુ જે રીતે એક મા પોતાના બાળકનું જતન કરે છે, તે રીતે અમે તમારા પ્રત્યે વિનમ્ર વર્તાવ કરેલો.
  • 8 અમે તમને બહુ પ્રેમ કર્યો. તેથી અમે દેવની સુવાર્તામાં તમારી સાથે સહભાગી થતા હતા તે એક આનંદ હતો એટલું જ નહિ; અમે અમારા જીવનની સાથે તમારા જીવનમાં સહભાગી તથા પ્રસન્ન થયા હતા.
  • 9 ભાઈઓ અને બહેનો, તમને યાદ છે કે રાત અને દિવસ અમે કેટલો કઠોર પરિશ્રમ કર્યો હતો. જ્યારે અમે દેવની સુવાર્તા તમને આપતા હતા ત્યારે તમારી પાસેથી વળતર લઈને તમને અમે બોજારૂપ બનવા નહોતા ઈચ્છતા.
  • 10 જ્યારે તમો વિશ્વાસીઓની સાથે અમે હતા ત્યારે, અમે પવિત્ર અને સત્યનિષ્ઠ જીવન નિષ્કલંક રીતે જીવ્યા હતા, તમે જાણો છો કે આ સત્ય છે અને દેવ જાણે છે કે આ સત્ય છે.
  • 11 તમે જાણે છો કે જેમ બાપ પોતાનાં બાળકો સાથે જેવું વર્તન કરે, તેવું વર્તન અમે તમારી સાથે કર્યુ હતું.
  • 12 અમે તમને પ્રોત્સાહિત કર્યા, અમે તમને રાહત પહોંચાડી, અને અમે તમને દેવ માટે સારું જીવન જીવવા માટે કહ્યું. દેવ તેના રાજ્ય અને મહિમા માટે તમને તેડે છે.
  • 13 જે રીતે, તમે દેવનો સંદેશો સ્વીકાર્યો તે માટે અમે દેવની સતત આભારસ્તુતિ કરીએ છીએ. તમે અમારી પાસેથી તે વચન સાંભળ્યુ, અને તમે તેને માણસોનું નહિ પરંતુ દેવના વચનોની જેમ સ્વીકાર્યુ અને તે ખરેખર દેવનું વચન જ છે. અને જે લોકો તેનામાં વિશ્વાસ રાખે છે તેનામાં તે કાર્યશીલ બને છે.
  • 14 ભાઈઓ અને બહેનો, તમે યહૂદિયામાં ખ્રિસ્ત ઈસુમાં બનેલી દેવની મંડળીઓ જેવા છો. યહૂદિયામાં દેવના લોકોએ ત્યાંના બીજા યહૂદીઓ દ્વારા ઘણી અનિષ્ટ બાબતો સહન કરી હતી. અને તમે પણ તે જ અનિષ્ટ બાબતો તમારા પોતાના દેશવાસીઓ દ્વારા સહન કરી રહયાં છો.
  • 15 તે યહૂદિઓએ પ્રભુ ઈસુને મારી નાખ્યો. અને તેઓએ પ્રબોધકોને પણ મારી નાખ્યા. અને તે યહૂદિઓએ આપણને તે પ્રદેશ યહૂદિયાં છોડી જવા દબાણ કર્યુ, દેવ તેઓનાથી પ્રસન્ન નથી. તેઓ તો બધાજ લોકોની વિરૂદ્ધ છે.
  • 16 હા, તેઓ આપણને બિનયહૂદિઓને શિક્ષણ આપતા રોકવા માગે છે. અમે બિનયહૂદિઓને શિક્ષણ આપીએ છીએ, જેથી તેઓનું તારણ થઈ શકે. પરંતુ પેલા યહૂદિઓ તો તેઓનાં કરેલાં જ પાપમાં એક પછી એક પાપ ઉમેરતાં જાય છે. દેવનો કોપ હવે તેઓના પર છવાઈ ચૂક્યો છે.
  • 17 ભાઈઓ અને બહેનો, અલ્પ સમય માટે અમે તમારાથી વિખૂટા પડયા. (અમે ત્યાં તમારી સાથે ન હતા, પરંતુ વિચારોથી તો અમે તમારી સાથેજ હતા.) તમને મળવાની અમારી ઉત્કટ ઈચ્છા હતી, અને તમને મળવા ખૂબ પ્રયત્નો પણ કર્યા.
  • 18 હા, અમે તમારી પાસે આવવા માંગતા હતા. ખરેખર મેં, પાઉલે ત્યાં આવવા ઘણા પ્રયાસો કર્યા, પણ શેતાને અમને અટકાવ્યા.
  • 19 તમે જ અમારી આશા, અમારો આનંદ, અને મુગટ છો જેના માટે ઈસુ ખ્રિસ્તના આવવાના સમયે તેની સમક્ષ અમને અભિમાન થશે.
  • 20 ખરેખર તમેજ અમારો મહિમા અને આનંદ છો.