wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


પ્રેરિતોનાં ક્રત્યો પ્રકરણ 12
  • 1 એ સમય દરમ્યાન રાજા હેરોદેમંડળીના કેટલાક લોકોની સતાવણી શરું કરી.
  • 2 હેરોદે યાકૂબને તલવારથી મારી નાખવાનો હુકમ કર્યો. યાકૂબ યોહાનનો ભાઈ હતો.
  • 3 હેરોદે જોયું કે યહૂદિઓને આ ગમે છે તેથી તેણે પિતરને પણ પકડવાનો નિર્ણય કર્યો. (પાસ્ખા પર્વના યહૂદિઓના બેખમીર રોટલીના પવિત્ર સમય દરમ્યાન આ બન્યું.)
  • 4 હેરોદે પિતરને પકડીને બંદીખાનામાં મૂક્યો. 16 સૈનિકોનો સમૂહ પિતરનું રક્ષણ કરતો. પાસ્ખાપર્વના ઉત્સવ પછી રાહ જોવાની હેરોદની ઈચ્છા હતી. પછી તેણે પિતરને લોકોની આગળ લાવવાની યોજના કરી.
  • 5 તેથી પિતરને જેલમાં રાખવામાં આવ્યો. પરંતુ મંડળીમાં પિતર માટે આગ્રહથી દેવની પ્રાર્થના થતી હતી.
  • 6 પિતર બે સૈનિકોની વચમાં ઊંઘતો હતો. તેને બે સાંકળો વડે બાંધવામાં આવ્યો હતો. ઘણા સૈનિકો જેલના દરવાજે ચોકી કરતા હતા. તે રાત્રે હેરોદે બીજા દિવસે પિતરને લોકો આગળ રજૂ કરવાની યોજના કરી.
  • 7 એકાએક, ત્યાં, પ્રભુનો દૂત આવીને ઊભો. ઓરડામાં પ્રકશ પથરાયો. દૂતે પિતરને કૂંખે સ્પર્શ કર્યો અને તેને જગાડ્યો. તે દૂતે કહ્યું, “ઉતાવળ કર, ઊભો થા!” સાંકળો પિતરના હાથમાંથી નીચે પડી.
  • 8 તે દૂતે પિતરને કહ્યું, “કપડાં પહેર અને તારા જોડા પહેર.” અને તેથી પિતરે તે જ પ્રમાણે કર્યુ. પછી તે દૂતે કહ્યું, “તારું અંગરખું પહેર અને મારી પાછળ આવ.”
  • 9 તેથી દૂત બહાર આવ્યો અને પિતર તેને અનુસર્યો. દૂત જે કરે છે તે ખરેખરું છે એમ તે સમજતો નહોતો, તેણે વિચાર્યુ કે તે એક દર્શન જોઈ રહ્યો છે.
  • 10 પિતર અને દૂતે પહેલી અને બીજી ચોકી વટાવી. પછી તેઓ લોખંડના દરવાજા પાસે આવ્યા. તે દરવાજાથી તેઓ છૂટા પડ્યા. દરવાજો તેને માટે જાતે જ ઊધડી ગયો, પિતર અને દૂત દરવાજામાંથી ગયા અને એક મહોલ્લામાં ચાલ્યા. પછી દૂત તરત જતો રહ્યો.
  • 11 પછી શું બન્યું હતું તેનું ભાન પિતરને થયું. તેણે વિચાર્યુ, “હવે મને ખબર પડી કે પ્રભુએ ખરેખર તેના દૂતને મારી પાસે મોકલ્યો હતો. તેણે મને હેરોદથી બચાવ્યો. યહૂદિ લોકોએ વિચાર્યુ કે મારી સાથે ખરાબ થવાનું હતું પરંતુ પ્રભુએ મને આ બધી બાબતોમાંથી બચાવ્યો છે.”
  • 12 જ્યારે પિતરને આ સમજાયું ત્યારે, તે મરિયમને ઘરે ગયો. તે યોહાનની મા હતી. (યોહાનનું બીજું નામ માર્ક હતું.) ઘણા માણસો ત્યાં ભેગા થયા હતા. તેઓ બધા પ્રાર્થના કરતા હતા.
  • 13 પિતરે બહારનો દરવાજો ખખડાવ્યો. એક રોદા નામની જુવાન દાસી ખબર કાઢવા આવી.
  • 14 રોદાએ પિતરનો અવાજ ઓળખ્યો. અને તે ખૂબ આનંદ પામી હતી. તે દરવાજો ઉઘાડવાનું પણ ભૂલી ગઇ. તે અંદર દોડી ગઇ અને સમૂહને કહ્યું, “પિતર બારણાં આગળ ઊભો છે!”
  • 15 વિશ્વાસીઓએ રોદાને કહ્યું, “તું તો ઘેલી છે!” પણ તેણીએ કહેવાનું ચાલુ રાખ્યું કે, તે સાચું હતું. તેથી તેઓએ કહ્યું, “તે પિતરનો દૂત હોવો જોઈએ.”
  • 16 પણ પિતરે બારણું ખખડાવવાનું ચાલુ રાખ્યું. જ્યારે વિશ્વાસીઓએ બારણું ઉઘાડ્યું, તેઓએ પિતરને જોયો. તેઓ નવાઇ પામ્યા.
  • 17 પિતરે તેના હાથના ઇશારાથી તેઓને શાંત રહેવા કહ્યું. તેણે તેઓને સમજાવ્યું કે પ્રભુ તેને કેવી રીતે બંદીખાનામાંથી બહાર લાવ્યો. તેણે કહ્યું, “જે કંઈ બન્યું છે તે યાકૂબને તથા બીજા ભાઈઓને કહો.” પછી પિતર બીજી કોઇ જગ્યાએ જવા માટે ચાલ્યો ગયો.
  • 18 બીજા દિવસે સૈનિકો બહું મુંઝવણમાં હતા. અને પિતરને આ શું થયું હશે તેનું તેઓને અચરજ થયું હતું.
  • 19 હેરોદે પિતરની શોધ દરક સ્થળે કરાવી પણ તેને શોધી શક્યા નહિ. તેથી હેરોદે ચોકીદારોને પ્રશ્રો પૂછયા અને તેણે ચોકીદારોને મારી નાખવાનો હુકમ કર્યો.પાછળથી હેરોદે યહૂદિયા છોડ્યું. તે કૈસરિયા શહેરમાં ગયો અને થોડો સમય ત્યાં રહ્યો.
  • 20 હેરોદ તૂરના તથા સિદોન શહેરોના લોકો પર ઘણો જ ગુસ્સે હતો. તે બધા લોકો સમૂહમાં હેરોદ પાસે આવ્યા. તેઓ તેઓના પક્ષમાં બ્લાસ્તસને લેવા શક્તિમાન હતા. બ્લાસ્તસ રાજાનો ખાનગી સેવક હતો. લોકોએ હેરોદને શાંતિ માટે પૂછયું, કારણ કે તેઓના દેશને ખોરાકના પૂરવઠા માટે હેરોદના પ્રદેશ પર આધાર રાખવો પડતો હતો.
  • 21 હેરોદે તેઓની સાથે મળવા માટે એક દિવસ નક્કી કર્યો. તે દિવસે હેરોદ સુંદર રાજપોશાક પહેરીને તે તેની રાજગાદી પર બેઠો અને લોકો સમક્ષ ભાષણ કર્યુ.
  • 22 લોકોએ પોકાર કર્યો, “આ વાણી દેવની છે, એક માણસની નથી!”
  • 23 હેરોદે આ મહિમા સ્વીકાર્યો અને દેવને મહિમા આપ્યો નહિ. તેથી અચાનક પ્રભુના દૂતે તેને માંદો પાડ્યો. તેને અંદરથી કીડાઓ ખાઈ ગયા અને તે મૃત્યુ પામ્યો.
  • 24 દેવની વાત પ્રસરતી હતી અને વધારે ને વધારે લોકોને પ્રભાવિત કરતી હતી. વિશ્વાસીઓનો સમૂહ મોટો ને મોટો થતો જતો હતો.
  • 25 યરૂશાલેમમાં બાર્નાબાસ અને શાઉલે તેઓનું કામ પૂર્ણ કર્યુ. તેઓ અંત્યોખ પાછા ફર્યા. યોહાન માર્ક તેઓની સાથે હતો.