wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


કલોસ્સીઓને પત્ર પ્રકરણ 4
  • 1 ઘણીઓ, જે બાબતો તમારા સેવકો માટે સુંદર અને ન્યાયી હોય તે તેમને આપો. યાદ રાખો કે આકાશમાં તમારો પણ ઘણી છે.
  • 2 પ્રાર્થનામાં ખંતથી મંડયા રહો. અને જ્યારે તમે પ્રાર્થના કરો, ત્યારે હમેશા દેવની આભારસ્તુતિ કરો.
  • 3 અમારા માટે પણ પ્રાર્થના કરો. પ્રાર્થના કરો કે દેવ અમને તેની સુવાર્તા ફેલાવવાની તક આપે. પ્રાર્થના કરો કે દેવે જે ખ્રિસ્ત વિષેનું મર્મ પ્રકાશિત કર્યુ છે તેનો અમે ઉપદેશ આપી શકીએ. હું કારાગૃહમાં છું કારણ કે હું આ સત્યનો ઉપદેશ આપું છુ.
  • 4 પ્રાર્થના કરો કે આ સત્યને હું લોકોને સ્પષ્ટ જાહેર કરી શકું. આ જ મારે કરવું જોઈએ.
  • 5 જે લોકો વિશ્વાસુ નથી તેવા લોકો સાથે ડહાપણથી વર્તો. તમારા સમયનો સદુપયોગ કરો.
  • 6 જ્યારે તમે વાતચીત કરો, ત્યારે તમે હમેશા માયાળુ અને બુદ્ધિમાન રહો. પછી જ તમે પ્રત્યેક વ્યક્તિને તમારે જે રીતે ઉત્તર આપવો જોઈએ તે રીતે આપી શકશો.
  • 7 તુખિકસ ખ્રિસ્તમાં મારો વહાલો ભાઈ છે. પ્રભુમાં તે મારી સાથે વિશ્વાસુ સેવક તથા સાથી દાસ છે. તે તમને મારી સાથે બની રહેલી તમામ ઘટનાઓ જણાવશે.
  • 8 તેથી જ હું એને મોકલી રહ્યો છું. અમે કેવી સ્થિતિમાં છીએ, તે તમે જાણો એમ હું ઈચ્છુ છું. અને તમને પ્રોત્સાહિત કરવા માટે પણ હું એને મોકલી રહ્યો છું.
  • 9 ઓનસિમસની સાથે હું એને મોકલી રહ્યો છું. ઓનેસિમસ ખ્રિસ્તમાં વિશ્વાસુ અને વહાલો ભાઈ છે. તે તમારા સમૂહમાંથી આવે છે. તુખિકસ અને ઓનેસિમસ તમને અહીં જે કંઈ બન્યું છે તે જણાવશે.
  • 10 અરિસ્તાર્ખસ તમને ક્ષેમકુશળ કહે છે. તે મારી સાથે અહીં કેદી છે. અને માર્ક, બાર્નાબાસનો પિત્રાઈ પણ તમને ક્ષેમકુશળ કહે છે. (માર્ક અંગે શું કરવું તે ક્યારનું મેં તમને જણાવી દીધું છે. જો તે ત્યાં આવે, તો તમે તેને આવકારજો.)
  • 11 ઈસુ પણ (તે યુસ્તસના નામે પણ ઓળખાય છે) તમને ક્ષેમકુશળ કહે છે. આ જ ફક્ત યહૂદી વિશ્વાસુઓ છે કે જે મારી સાથે દેવના રાજ્ય માટે કાર્ય કરે છે. તેઓ મારા માટે દિલાસારુંપ બની રહ્યા છે.
  • 12 એપાફ્રાસ પણ તમને ક્ષેમકુશળ કહે છે. તે ઈસુ ખ્રિસ્તનો સેવક છે. અને તે તમારા સંઘનો છે. તે હમેશા તમારા માટે આગ્રહથી પ્રાર્થના કરે છે. તે પ્રાર્થે છે કે તમે આત્મિક રીતે પરિપકવ બનવા માટે વિકાસ પામો અને દેવ તમારા માટે ઈચ્છે છે તે દરેક વસ્તુ તમને પ્રાપ્ત થાય.
  • 13 હું જાણું છું કે તેણે તમારા માટે અને લાવદિકિયા અને હિયરાપુલિસના લોકો માટે કઠોર પરિશ્રમ કર્યો છે.
  • 14 દેમાસ અને આપણા વહાલા મિત્ર લૂક વેંદ પણ ક્ષેમકુશળ કહે છે.
  • 15 લાવદિકિયાના ભાઈઓ અને બહેનોને ક્ષેમકુશળ કહેજો. અને નુમ્ફા અને મંડળી કે જે તેના ઘરમાં મળે છે, તેમને પણ ક્ષેમકુશળ કહેજો.
  • 16 આ પત્ર તમારી આગળ વાંચ્યાં પછી, તે લાવદિકિયાની મંડળીમાં પણ વંચાવવા તેની કાળજી રાખજો. અને લાવદિકિયામાં જે પત્ર મેં લખ્યો છે તે પણ તમે વાંચજો.
  • 17 આર્ખિપસને કહેજો કે, “તને પ્રભુએ જે કામ સોંપ્યું છે તે પૂર્ણ કરવા સાવધ રહેજે.”
  • 18 હું પાઉલ, મારા સ્વહસ્તે આ પત્ર લખી રહ્યો છું અને તમને ક્ષેમકુશળ પાઠવી રહ્યો છુ, કારાગારમાં મને યાદ કરજો. દેવની કૃપા (દયા) તમારા પર થાઓ.