wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


લૂક પ્રકરણ 16
  • 1 ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “એક ધનવાન માણસ હતો. આ ધનવાન માણસે તેના વ્યાપારની દેખરેખ રાખવા માટે એક કારભારી રાખ્યો હતો. પાછળથી તે ધનવાન માણસને ખાનગીમાં જણાવવામાં આવ્યું હતું કે તેનો કારભારી તેને છેતરે છે.
  • 2 તેથી તેણે તેને અંદર બોલાવ્યો. અને તેને કહ્યું; ‘મેં તારા વિષે ખરાબ વાતો સાંભળી છે. તેં મારા પૈસાનું શું કર્યુ છે તેનો હિસાબ મને આપ. હવે તું મારો કારભારી રહી શકીશ નહિ!’
  • 3 “તે કારભારીએ તેની જાતે વિચાર્યુ, ‘હું શું કરું? મારો ધણી મારી પાસેથી કારભાર લઈ લે છે. હું ખોદકામ કરી શકું તેટલો શક્તિશાળી નથી. ભીખ માંગવામાં મને શરમ આવે છે.
  • 4 હું જાણું છું કે હું શું કરીશ! હું એવું કંઈ કરીશ કે જેથી હું જ્યારે મારી નોકરી ગુમાવું ત્યારે બીજા લોકો મને તેઓના ઘરે આવકારે.’
  • 5 “તેથી કારભારીએ દરેક દેણદારને જેઓને માથે ધણીનું દેવું હતુ તેઓને બોલાવ્યા. તેણે પહેલા માણસને કહ્યું, ‘તારે મારા માલિકનું કેટલું દેવું છે?’
  • 6 તે માણસે ઉત્તર આપ્યો; ‘મારે તેમનું 8,000 પૌંડ ઓલિવ તેલનું દેવું છે.’ કારભારીએ તેને કહ્યું; ‘આ રહ્યું તારું બીલ, જલ્દી બેસી જા, અને બીલની રકમ ઓછી કર, 4,000 પૌંડ લખ.’
  • 7 “પછી કારભારીએ બીજા માણસને કહ્યું, ‘તારે મારા ધણીનું દેવું કેટલું છે?’ તે માણસ બોલ્યો; ‘મારે તેનું 60,000 પૌંડ ઘઉનું દેવું છે.’ પછી કારભારીએ તેને કહ્યું, ‘આ રહ્યું, તારું બીલ તું તેને ઓછું કરી શકે છે. 50,000પૌંડ લખ.
  • 8 “પાછળથી ધણીએ તે અપ્રામાણિક કારભારીને કહ્યું કે તેણે ચતુરાઇથી કામ કર્યુ છે, હા, દુન્યવી માણસો તે સમયના અજવાળાના લોકો કરતાં તેઓના ધંધામાં વધારે ચતુર હોય છે.
  • 9 “હું તમને કહું છું, આ દુનિયામાં અહીં તમારી પાસે જે કંઈ છે તેનો ઉપયોગ કરી દેવ સાથે મિત્રો કરી લો, પછી જ્યારે તે થઈ રહે ત્યારે તે ઘરમાં તેને કાયમ આવકાર મળશે.
  • 10 જે માણસ નાની વસ્તુઓમાં વિશ્વાસુ માલૂમ પડે છે તે મોટી બાબતોમાં પણ વિશ્વાસુ રહેવાનો, પણ જે વ્યક્તિ નાની વસ્તુઓમાં અપ્રામાણિક છે તે મોટી વસ્તુઓમાં પણ અપ્રામાણિક રહેવાની.
  • 11 જો તમે જગતનાં ધન સંબંધી અવિશ્વાસુ હશો તો ખરા ધન (સ્વર્ગીય) માટે તમારો વિશ્વાસ કેવી રીતે રાખી શકાય
  • 12 અને જો તમે બીજાની માલિકીની સંપત્તિ સંબંધી વિશ્વાસુ ન રહો તો તમને તમારુંજે છે તે કેવી રીતે સોંપી શકાય
  • 13 “કોઈ પણ ચાકર એક સાથે એક જ સમયે બે ધણીઓની સેવા કરી શકે નહિ. તે ચાકર એક ધણીનો તિરસ્કાર કરશે અને બીજા ધણીને પ્રેમ કરશે અથવા તે એક ધણીને વફાદાર રહેશે અને બીજાની પરવા કરશે નહિ. તમે એક સાથે દેવ અને ધન બંનેની સેવા કરી શકો નહિ.”
  • 14 ફરોશીઓ આ બધી વાતો ધ્યાનથી સાંભળતા હતા. ફરોશીઓએ ઈસુની ટીકા કરી કારણ કે તેઓ પૈસાને ચાહતા હતા.
  • 15 ઈસુએ ફરોશીઓને કહ્યું, “તમારી જાતને તમે લોકો સામે સારી દેખાડો છો. પણ દેવ જાણે છે કે ખરેખર તમારા હ્રદયમાં શું છે જે કંઈ લોકોની દષ્ટિએ મહત્વનું છે તે દેવની આગળ તો ધિક્કારને પાત્ર છે.
  • 16 “લોકોએ મૂસાના નિયમો અને પ્રબોધકોના ઉપદેશો પ્રમાણે જીવવું જોઈએ. એવું દેવે ઈચ્છયું. પણ યોહાન બાપ્તિસ્ત આવ્યો તે સમયથી દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવામાં આવી રહી છે. ઘણા લોકો દેવના રાજ્યમાં પ્રવેશવા ખૂબ પ્રયત્નો કરી રહ્યાં છે.
  • 17 આકાશ અને પૃથ્વી માટે જતાં રહેવું વધારે સરળ છે પરંતુ શાસ્ત્રની એક પણ માત્રા બદલી શકાશે નહિ”
  • 18 “જો કોઈ માણસ પોતાની પત્નીને છૂટાછેડા આપીને બીજી કોઈ સ્ત્રીને પરણે છે, તે વ્યભિચારના પાપ માટે દોષિત છે. અને કોઈ માણસ છૂટાછેડા લીધેલી સ્ત્રીને પરણે છે તે પણ વ્યભિચાર માટે દોષિત છે.”
  • 19 ઈસુએ કહ્યું, “એક ધનવાન માણસ હતો જે હંમેશા સૌથી સુંદર વસ્ત્રો પહેરતો. તે એટલો ધનવાન હતો કે રોજ ખૂબ વૈભવવિલાસ અને મિજબાનીઓ રાખવા સમર્થ હતો.
  • 20 ત્યાં લાજરસ નામનો ખૂબ ગરીબ માણસ પણ હતો. લાજરસના આખા શરીર પર ફોલ્લા હતા. લાજરસ વારંવાર તે ધનવાન માણસના દરવાજા આગળ પડ્યો રહેતો.
  • 21 ધનવાન માણસના મેજ પરથી ખાતાં ખાતાં નીચે પડેલા ટુકડાઓ ખાઇને પોતાની ભૂખ સંતોષતો. કૂતરા પણ આવતા અને તેના ફોલ્લા ચાટતા.
  • 22 “પછીથી લાજરસ મૃત્યુ પામ્યો. દૂતોએ લાજરસને લઈને ઈબ્રાહિમની ગોદમાં મૂક્યો. તે ધનવાન માણસ પણ મૃત્યુ પામ્યો. અને તેને દાટવામાં આવ્યો.
  • 23 તેને હાદેસમાં મોકલવામાં આવ્યો અને ત્યાં ઘણી પીડા ભોગવવી પડી. તે ધનવાન માણસે દૂરથી ઈબ્રાહિમને લાજરસ સાથે જોયો.
  • 24 તેણે બૂમ પાડી, ‘ઈબ્રાહિમ બાપ, મારા પર દયા કર. લાજરસને મોકલ કે તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે; કારણ કે હું આગમાં પીડા ભોગવી રહ્યો છું.
  • 25 “પણ ઈબ્રાહિમે કહ્યું; દીકરા, યાદ કર જ્યારે તું જીવતો હતો ત્યારે તારી પાસે જીવનમાં બધી જ સારી વસ્તુઓ હતી. પણ લાજરસના જીવનમાં તો બધું જ ખરાબ હતું. હવે લાજરસ અહીં દિલાસો પામે છે, અને તું પીડા ભોગવે છે.
  • 26 તદુપરાંત અમારી અને તારી વચ્ચે એક મોટી ખાઈ છે. કોઈ માણસ તેને ઓળંગીને તને મદદ કરવા આવી શકશે નહિ. અને કોઈ વ્યક્તિ ત્યાંથી અહી અમારી બાજુ આવી શકશે નહિ.’
  • 27 “ધનવાન માણસે કહ્યું, ‘પછી કૃપા કરીને પિતા ઈબ્રાહિમ, લાજરસને મારા પિતાને ઘરે પૃથ્વી પર મોકલ.
  • 28 મારે પાંત ભાઈઓ છે. લાજરસ મારા ભાઈઓને ચેતવણી આપી શકે, જેથી તેઓને આ વેદનાની ભૂમિ પર આવવું ના પડે.’
  • 29 “પણ ઈબ્રાહિમે કહ્યું, ‘તેઓની પાસે મૂસાનો નિયમ અને પ્રબોધકોના લખાણો વાંચવા માટે છે. તેમને તેમાંથી શીખવા દે.’
  • 30 “પરંતુ ધનવાન માણસે કહ્યું; ના ઈબ્રાહિમ બાપ! જો કોઈ મરણ પામેલામાંથી તેઓની પાસે આવે, તો તેઓ વિશ્વાસ કરશે અને પસ્તાવો કરશે.
  • 31 “પણ ઈબ્રાહિમે તેને કહ્યું; ‘ના! જો તારા ભાઈઓ મૂસા તથા પ્રબોધકોનું ધ્યાનથી સાંભળતા ના હોય તો પછી તેઓ મૂએલામાંથી કોઈ તેઓની પાસે આવે તો પણ તેઓનું સાંભળશે નહિ.”‘