- 1 પછી ઈસુએ તે જગ્યા છોડી. તે યર્દન નદીને પેલે પાર યહૂદિયા પ્રદેશમાં ગયો. ફરીથી ઘણા લોકો તેની પાસે આવ્યા. ઈસુ હંમેશા કરતો હતો, તેવી રીતે લોકોને ઉપદેશ આપ્યો.
- 2 કેટલાક ફરોશીઓ ઈસુ પાસે આવ્યા. તેઓએ ઈસુ કઈક ખોટુ કહે તે માટે પ્રયત્નો કર્યા. તેઓએ ઈસુને પૂછયું, ‘પોતાની પત્નીને છૂટાછેડા આપવા તે માણસ માટે યોગ્ય છે?’
- 3 ઈસુએ ઉત્તર આપ્યો, ‘મૂસાએ તમને શું કરવા હુકમ કર્યો હતો?’
- 4 તે ફરોશીઓએ કહ્યું, ‘મૂસાએ છૂટાછેડાનું પ્રમાણપત્ર લખ્યા પછી તેની પત્નીથી છૂટાછેડા લેવાની માણસને પરવાનગી આપી છે’
- 5 ઈસુએ કહ્યું, ‘મૂસાએ તે આજ્ઞા તમારા માટે લખી છે કારણ કે તમે દેવના ઉપદેશને સ્વીકારવાની ના પાડી.
- 6 પરંતુ જ્યારે દેવે દુનિયા બનાવી, ‘તેણે તેઓમાં નર અને નારીનું સર્જન કર્યું.’
- 7 ‘તેથી માણસ તેના માતાપિતાને છોડીને તેની પત્ની સાથે જોડાશે.
- 8 અને બે જણ એક બનશે.’ તેથી તેઓ બે નથી પણ એક છે.
- 9 દેવે તે બેને સાથે જોડ્યા છે. તેથી કોઈ વ્યક્તિએ તેઓને છૂટા નહિ પાડવા જોઈએ.’
- 10 પાછળથી તે શિષ્યો અને ઈસુ ઘરમાં હતા. તે શિષ્યોએ ફરીથી ઈસુને છૂટાછેડાના પ્રશ્ર વિષે પૂછયું.
- 11 ઈસુએ ઉત્તર આપ્યો, ‘કોઈ પણ વ્યક્તિ જે તેની પત્નીને છૂટાછેડા આપે છે અને બીજી સ્ત્રીને પરણે છે. તે તેની પત્ની વિરૂદ્ધ પાપમાં દોષિત છે. તે વ્યભિચારના પાપ માટે ગુનેગાર છે.
- 12 અને જે સ્ત્રી પોતાના પતિને છૂટાછેડા આપે છે અને બીજા પુરુંષને પરણે છે ત્યારે તે પણ વ્યભિચાર માટે દોષિત છે.’
- 13 લોકો તેમનાં નાનાં બાળકોને ઈસુ પાસે લાવ્યાં. તેથી તેઓને સ્પર્શી શકે. પરંતુ શિષ્યોએ લોકોને તેમના બાળકોને ઈસુ પાસે લાવતા અટકાવ્યા.
- 14 ઈસુએ શું બન્યું તે જોયું. તેના શિષ્યોએ બાળકોને નહિ આવવા માટેનું કહેવું તેને ગમ્યું નહિ. ઈસુએ તેઓને કહ્યું, ‘નાનાં બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકશો નહિ. કારણ કે દેવનું રાજ્ય એ લોકોનું છે જેઓ આ નાનાં બાળકો જેવાં છે.
- 15 હું તમને સાચું કહું છું, તમારે દેવના રાજ્યનો સ્વીકાર, એક નાનું બાળક વસ્તુઓ સ્વીકારે છે તેવી રીતે કરવો જોઈએ. નહિ તો તમે કદાપિ તેમાં પ્રવેશ કરશો જ નહિ.’
- 16 પછી ઈસુએ બાળકોને તેના બાથમાં લીધા. ઈસુએ તેઓના પર હાથ મૂકી તેઓને આશીર્વાદ દીધો.
- 17 ઈસુએ વિદાય થવાની શરુંઆત કરી. પરંતુ એક માણસ દોડતો આવ્યો અને ઈસુની આગળ તેના ઘૂંટણે પડ્યો, તે માણસે પૂછયું, ‘ઉત્તમ ઉપદેશક, અનંતજીવન મેળવવા મારે શું કરવું જોઈએ?’
- 18 ઈસુએ ઉત્તર આપ્યો, ‘તું મને ઉત્તમ શા માટે કહે છે? કોઈ વ્યક્તિ ઉત્તમ નથી. ફક્ત દેવ જ ઉત્તમ છે.
- 19 પણ હું તારા પ્રશ્નનો ઉત્તર આપીશ. તું આજ્ઞાઓ જાણે છે: ‘તારે કોઈનું ખૂન કરવું જોઈએ નહિ, તારે વ્યભિચારનું પાપ કરવું જોઈએ નહિ, તારે ચોરી કરવી જોઈએ નહિ, તારે તારા માબાપને માન આપવું જોઈએ....’“
- 20 તે માણસે કહ્યું, ‘ઉપદેશક, હું બાળક હતો ત્યારથી આ બધી આજ્ઞાઓનું પાલન કરું છું.’
- 21 ઈસુએ તે માણસ સામે જોયું. ઈસુને તેના પર હેત આવ્યું. ઈસુએ કહ્યું, ‘તું એક વાત સબંધી અધૂરો છે. જા અને તારી પાસે જે બધું છે તે વેચી નાખ. પૈસા ગરીબ લોકોને આપ. તને આકાશમાં તેનો બદલો મળશે. પછી આવ અને મને અનુસર.’
- 22 ઈસુને આમ કહેતા સાંભળીને તે માણસનો ચહેરો ફીક્કો પડી ગયો. અને તે વિદાય થયો. તે માણસ દુ:ખી હતો કારણ કે તે ઘણો પૈસાદાર હતો અને તેના પૈસા રાખવા ઈચ્છતો હતો.
- 23 પછી ઈસુએ તેના શિષ્યો તરફ જોયું અને તેઓને કહ્યું, ‘ધનવાન વ્યક્તિઓ માટે દેવના રાજ્યમાં પ્રવેશવું ઘણું મુશ્કેલ હશે!’
- 24 ઈસુએ જે કહ્યું તેથી શિષ્યો આશ્ચર્યચકિત થયા. પણ ઈસુએ ફરીથી કહ્યું, ‘મારાં બાળકો, દેવના રાજ્યમાં પ્રવેશવું તે ઘણું કઠિન છે!
- 25 અને પૈસાદાર માણસો માટે દેવના રાજ્યમાં પ્રવેશવું તે ઘણું મુશ્કેલ બનશે. સોયના નાકામાંથી પસાર થવું ઊંટના માટે સહેલું બનશે!’
- 26 તે શિષ્યો વધારે નવાઇ પામ્યા હતા અને એકબીજાને કહ્યું, ‘તો કોણ તારણ પામી શકે?’
- 27 ઈસુએ શિષ્યો તરફ જોયું અને કહ્યું, ‘આ કઈક એવું છે જે લોકો તેમની જાતે કરી શકે નહિ, તે દેવ પાસેથી આવવું જોઈએ. દેવ બધી વસ્તુઓ કરી શકે છે.’
- 28 પિતરે ઈસુને કહ્યું, ‘અમે તને અનુસરવા બધુંજ છોડી દીધું!’
- 29 ઈસુએ કહ્યું, ‘હું તમને સત્ય કહું છું, પ્રત્યેક વ્યક્તિ જેણે તેનું ઘર, ભાઈઓ, બહેનો, મા, પિતા, બાળકો અથવા ખેતરોને મારી સુવાર્તા માટે છોડ્યા છે,
- 30 તેઓએ જેટલું છોડ્યું છે તેના કરતાં સોગણું વધારે મેળવશે. અહીં આ દુનિયામાં તે વ્યક્તિ વધારે ઘરો, ભાઈઓ, બહેનો, મા, પિતા, બાળકો અથવા ખેતરો મેળવશે અને તે વસ્તુઓ સાથે તે વ્યક્તિની સતાવણી થશે. પણ આવનાર દુનિયામાં તેને બદલો મળશે. તે બદલો અનંતજીવન છે.
- 31 ઘણા લોકો જેની પાસે હાલમાં ઊંચામાં ઊંચી જગ્યા છે, તેમની પાસે ભવિષ્યમાં નીચામાં નીચી જગ્યા હશે. અને જે લોકો પાસે હાલમાં નીચામાં નીચી જગ્યા છે તેઓ ભવિષ્યમાં ઊંચામાં ઊંચી જગ્યા મેળવશે.’
- 32 ઈસુ અને તેની સાથેના લોકો યરૂશાલેમ જતા હતા. ઈસુ લોકોને દોરતો હતો. ઈસુના શિષ્યો આશ્ચર્યચકિત થઈ ગયા. પણ પેલા લોકો જે તેની પાછળ આવતા હતા તેઓ બીતાં હતા. ઈસુએ ફરીથી બાર પ્રેરિતોને ભેગા કર્યા. અને તેઓની સાથે એકલા વાત કરી. ઈસુએ યરૂશાલેમમાં શું થશે તે તેઓને કહ્યું.
- 33 ઈસુએ કહ્યું, ‘આપણે યરૂશાલેમ તરફ જઈએ છીએ. માણસના દિકરાને મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓના હાથમાં સોંપવામાં આવશે. યાજકો અને શાસ્ત્રીઓ કહેશે કે માણસના દિકરાએ મરવું જોઈએ. તેઓ બિનયહૂદિ લોકોને માણસનો દિકરા સોંપશે.
- 34 તે લોકો તેની મશ્કરી કરશે અને તેના પર થૂંકશે, તેઓ તેને ચાબૂકથી મારશે અને તેને મારી નાખશે. પરંતુ તેના મૃત્યુ પછી ત્રીજા દિવસે તે પાછો ઊઠશે.’
- 35 પછી ઝબદીનો દીકરો યાકૂબ તથા યોહાન ઈસુની પાસે આવે છે. તેઓએ કહ્યું, ‘ઉપદેશક, અમે તને અમારા માટે કશુંક કરવાનું કહેવાની ઈચ્છા રાખીએ છીએ.’
- 36 ઈસુએ પૂછયું, ‘તમે મારી પાસે શું કરાવવા ઈચ્છો છો?’
- 37 પુત્રોએ ઉત્તર આપ્યો, ‘તું તારા મહિમામાં અમારામાંના એકને તારી જમણી બાજુ બેસવા દે અને એકને તારી ડાબી બાજુ બેસવા દે.’
- 38 ઈસુએ કહ્યું, ‘તમે જે માગો છો તે તમે સમજી શકતા નથી. મારે જે પીડા સહન કરવાની છે તેવી તમેસ્વીકારી શકશો? અને જે બાપ્તિસ્મા હું લઉં છું તે બાપ્તિસ્મા તમે લઈ શકશો?’
- 39 પુત્રોએ ઉત્તર આપ્યો, ‘હા અમે કરી શકીશું.’ ઈસુએ પુત્રોને કહ્યું, ‘હું જે સહન કરીશ તે રીતે તમારે સહન કરવું પડશે. હું જે રીતે બાપ્તિસ્મા પામીશ તેવી જ રીતે તમારું બાપ્તિસ્મા થશે.
- 40 પણ મારી જમણી કે ડાબી બાજુમાં બેસવાનો અધિકાર આપનાર વ્યક્તિ હું નથી. ત્યાં કેટલાએક લોકો છે તેઓને પેલી જગ્યાઓ મળશે. પેલી જગ્યાઓ તેમના માટે તૈયાર કરવામાં આવી છે.’
- 41 બીજા દસ શિષ્યોએ આ સાંભળ્યું. તેઓ યાકૂબ અને યોહાન પર ગુસ્સે થયા.
- 42 ઈસુએ બધા શિષ્યોને સાથે બોલાવ્યા. ઈસુએ કહ્યું, ‘બિનયહૂદિ લોકો પાસે માણસો છે તેઓ શાસકો કહેવાય છે. તું જાણે છે કે પેલા શાસકો લોકો પર તેમનું ધણીપણું બતાવવા ઈચ્છે છે અને તેમના આગેવાનો લોકો પર તેઓની બધી સત્તાનો ઉપયોગ કરવા ઈચ્છે છે.
- 43 પણ તમારી સાથે તે રીતે ન થવું જોઈએ. તમારામાંથી કોઈ મહાન થવા ઈચ્છતું હોય તો પછી તેણે સેવકની જેમ તમારી સેવા કરવી જોઈએ.
- 44 જો તમારામાંથી કોઈ એક સૌથી વધારે મહત્વનો થવા ઈચ્છે તો પછી તેણે તમારા બધાની એક દાસની જેમ સેવા કરવી.
- 45 તે જ રીતે, માણસનો પુત્ર બીજા લોકો પાસે તેની સેવા કરાવવા આવ્યો નથી. પરંતુ માણસનો પુત્ર બીજા લોકોની સેવા કરવા માટે આવ્યો છે. માણસનો પુત્ર ઘણા લોકોને બચાવવા તેનું જીવન સમર્પિત કરવા આવ્યો છે’
- 46 પછી તેઓ યરેખોના ગામમાં આવ્યા. ઈસુ તેના શિષ્યો અને બીજા ઘણા લોકો સાથે તે ગામની વિદાય લેતા હતા. બર્તિમાય નામનો એક આંધળો માણસ (તિમાયનો પુત્ર) રસ્તાની બાજુમાં બેઠો હતો. આ માણસ હંમેશા પૈસાની ભીખ માંગતો હતો.
- 47 આંધળા માણસે સાંભળ્યું કે નાઝરેથનો ઈસુ બાજુમાંથી પસાર હતો. તે આંધળા માણસે બૂમ પાડી, ‘ઈસુ, દાઉદના દીકરા, કૃપા કરીને મને મદદ કર!’
- 48 ઘણા લોકોએ આંધળા માણસની ટીકા કરી. તેઓએ તેને નહિ બોલવા કહ્યું. પરંતુ આંધળો માણસ વધારે ને વધારે બૂમો પાડવા લાગ્યો. ‘દાઉદના દીકરા, કૃપા કરીને મને મદદ કર!’
- 49 ઈસુ ઊભો રહ્યો અને કહ્યું, ‘તે માણસને અહીં આવવા કહો.’ તેથી તેઓએ આંધળા માણસને બોલાવ્યો. તેઓએ કહ્યું, ‘હિમ્મત રાખ! ઊભો થા! ઈસુ તને બોલાવે છે.’
- 50 આંધળો માણસ ઝડપથી ઊભો થયો. તેણે તેનો ડગલો ત્યાં મૂક્યો અને ઈસુ તરફ ગયો.
- 51 ઈસુએ માણસને પૂછયું, ‘મારી પાસે તું શું કરવાની ઈચ્છા રાખે છે?’ આંધળો માણસ બોલ્યો, ‘ઉપદેશક, મારી ઈચ્છા ફરી દેખતા થવાની છે.’
- 52 ઈસુએ કહ્યું, ‘જા, તું તારા વિશ્વાસને કારણે સાજો થઈ ગયો છે.’ પછી તે માણસ ફરીથી દેખતો થયો. તે રસ્તામાં ઈસુને અનુસર્યો.
Mark 10
- Details
- Parent Category: New Testament
- Category: Mark
માર્ક પ્રકરણ 10