wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


માથ્થી પ્રકરણ 20
  • 1 “આકાશનું રાજ્ય એક જમીનદાર જેવું છે. આ માણસ તેના ખેતરમાં દ્રાક્ષ ઉગાડે છે. એક મળસકે તે માણસ પોતાના ખેતરમાં કામ કરવા માટે મજૂરો લેવા ગયો.
  • 2 અને તેણે તેઓની સાથે રોજનો એક દીનાર નક્કી કરીને ખેતરમાં મજૂરોને મોકલ્યા.”
  • 3 “નવ વાગ્યાની આસપાસ તે જમીનદાર બજારમાં ગયો ત્યારે કેટલાક માણસો કશુંય કામ કર્યા વિના ત્યાં ઊભા હતા.
  • 4 તેથી તે માણસે કહ્યું, તમે મારા ખેતરમાં જઈને કામ કરશો તો હું તમને યોગ્ય વળતર આપીશ.”
  • 5 તેથી લોકો ખેતરમાં કામ કરવા ગયા.“ફરી બાર વાગે અને બીજી વાર ત્રણ વાગે બજારમાં ગયો ત્યારે પણ લોકોને ખેતરમાં કામ કરવા માટે લઈ આવ્યો.”
  • 6 પછી સાંજે પાંચે વાગે તે બજારમાં ફરીથી ગયો ત્યારે પણ કેટલાક માણસો ત્યાં ઊભા હતા, તેઓને જમીનદારે પૂછયું, ‘તમે આખો દિવસ કોઈપણ કામ વિના અહીં કેમ ઊભા રહ્યા છો?’
  • 7 “તે લોકોએ કહ્યું, ‘અમને કોઈએ કામ આપ્યું નથી.’“તે માણસે તેઓને કહ્યું, ‘તમે મારા ખેતરમાં જાવ અને કામે લાગો,’
  • 8 “સાંજ પડી એટલે, દ્રાક્ષની વાડીના ધણીએ તેના મુખ્ય કારભારીને બોલાવીને કહ્યું કે, ‘મજૂરોને બોલાવીને તેમની મજૂરી ચૂકવી દો. પહેલાથી છેલ્લા જે મજૂરો આવ્યા તેમને મજૂરી આપવાનું શરૂ કરો અને પહેલા મજૂરીએ આવ્યા હતાં તેમને આપતા સુધી ચાલુ રાખો.’
  • 9 “જે મજૂરો પાંચ વાગે આવ્યા હતા તેમાંના દરેકને એક દીનારનો સિક્કો મળ્યો.
  • 10 પછી જે સૌથી પહેલા સવારમા કામ પર આવ્યા હતા તે તેમનું મહેનતાણું લેવા આવ્યા. તેઓએ વિચાર્યુ તેઓ વધારે મહેનાતાણું મેળવશે પણ તે દરેકને એક જ દીનારનો સિક્કો મળ્યો.
  • 11 જ્યારે તેમને એક દીનારનો સિક્કો મળ્યો ત્યાર પછી દ્રાક્ષની વાડીના માલિકને તેમણે ફરિયાદ કરી.
  • 12 જે લોકો છેલ્લાં આવ્યા હતા અને એક કલાક જ કામ કર્યુ તેમને તેં અમારા જેટલી જ મજૂરી આપી. જ્યારે અમે તો આખો દિવસ સૂર્યની ગરમીમાં કામ કર્યુ છે.’
  • 13 “પણ ખેતરના માલિકે તેઓમાંના એક જણાને કહ્યું, ‘મિત્ર, મેં તારી સાથે કોઈ જ અન્યાય કર્યો નથી. શું તમે કબૂલ થયા ન હતા કે હું તમને એક દીનાર આપીશ?
  • 14 તેથી આ તારી મજૂરી લે અને ચાલતો થા, માટે જે છેલ્લો માણસ મજૂરી કરવા આવ્યો છે તેને આટલી જ મજૂરી આપવાની મારી ઈચ્છા છે.
  • 15 મારે મારા પૈસાનું જે કરવું હોય તે કરું. તમને અદેખાઈ આવે છે કારણ કે એ લોકો સાથે હું સારો છું.’
  • 16 “એ પ્રમાણે જેઓ છેલ્લા છે તેને હવે ભવિષ્યમાં પ્રથમ સ્થાન મળશે. અને જેનું પ્રથમ સ્થાન હશે તેને ભવિષ્યમાં છેલ્લું સ્થાન મળશે.”
  • 17 ઈસુ જ્યારે પોતાના બાર શિષ્યો સાથે યરૂશાલેમ જઈ રહ્યો હતો. ત્યારે તેણે એ બધાને એકાંતમાં એક બાજુએ બોલાવીને કહ્યું,
  • 18 “જુઓ, આપણે યરૂશાલેમ જઈ રહ્યા છીએ. માણસનો દીકરો મુખ્ય યાજક અને શાસ્ત્રીઓને સોંપવામાં આવશે, અને તેને મોતની સજા ફટકારવામાં આવશે.
  • 19 પછી તે લોકો માણસના દીકરાને બીનયહૂદિઓને સોંપી દેશે જેઓ તેની ક્રૂર મશ્કરી કરશે. તેના પર કોરડા વીંઝશે અને તેને વધસ્તંભ પર જડાવી દેશે, પરંતુ ત્રીજા દિવસે તે સજીવન થશે.”
  • 20 પછી ઝબદીની પત્ની પોતાના દીકરાઓને સાથે રાખીને ઈસુની પાસે આવી. તેણે પગે પડીને ઈસુની પાસે માંગણી કરી.
  • 21 ઈસુએ પૂછયું, “તારે શું જોઈએ છે?”તેણે ઉત્તર આપ્યો, “મને વચન આપ કે તારા રાજ્યમાં મારા બે દીકરાઓમાંથી એક દીકરો તારી જમણી બાજુ અને બીજો દીકરો તારી ડાબી બાજુએ બેસે.”
  • 22 ઈસુએ બે દીકરાઓને કહ્યું, “તમે શું માંગી રહ્યા છો તે તમે જાણતા નથી. જે પ્યાલો મારે પીવાનો છે તે તમારાથી પીવાશે?”તેઓએ કહ્યું, “હા, અમે પી શકીશું!”
  • 23 ઈસુએ તેઓને કહ્યું, “અલબત્ત હું જે કંઈ પીઉ તે તમે પી શકશો તો ખરા. પણ મારી જમણી કે ડાબી બાજુ કોને સ્થાન આપવું, તે મારા હાથની વાત નથી. એ સ્થાનો મારા પિતાએ નક્કી કરેલ વ્યક્તિઓ માટે છે.”
  • 24 જ્યારે આ માંગણી વિષે બાકીના દશ શિષ્યોએ સાંભળ્યું ત્યારે તેઓ આ બે ભાઈઓ પર બહું ગુસ્સે થયા.
  • 25 પછી ઈસુએ શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું, “તમે જાણો છો કે યહૂદી રાજ્ય કર્તાઓ પોતાની પ્રજા પર સત્તાનો પૂર્ણ અમલ કરે છે અને તેમના મોટા માણસો તેમના અધિકારનું લોકોને ભાન કરાવવા ચાહે છે.
  • 26 પણ તમારી સાથે આ રીતે થવું ન જોઈએ. તમારામાં જે આગેવાન થવા ઈચ્છે તે તમારો સેવક હોવો જોઈએ.
  • 27 અને જે સૌથી મોટો થવા ઈચ્છે છે, તેણે એક ગુલામ તરીકે તમારી સેવા કરવી જોઈએ.
  • 28 તમારે માણસના દીકરા જેવા થવું જોઈએ, માણસનો દીકરો સેવા કરાવવા નહિ પણ સેવા કરવા અને ઘણા લોકોને માટે મુક્તિ મૂલ્ય તરીકે પોતાનું જીવન સમર્પણ કરવા આવ્યો છે.”
  • 29 જ્યારે ઈસુ અને તેના શિષ્યો યરીખોથી નીકળીને જતા હતા ત્યારે ઘણા લોકો ઈસુને અનુસરતા હતા.
  • 30 રસ્તાની બાજુએ બે અંધજનો બેઠા હતા. એ રસ્તે થઈને ઈસુ પસાર થાય છે એવું સાંભળીને તેઓ જોરશોરથી બૂમો પાડવા લાગ્યા, “હે પ્રભુ, દાઉદના દીકરા અમારા પર દયા કર!”
  • 31 લોકોએ તેઓને ધમકાવીને શાંત રહેવા કહ્યું છતાં તેઓ તો વધારે જોરથી બૂમો પાડતા હતા, “હે પ્રભુ, દાઉદના દીકરા, અમારા પર દયા કર!”
  • 32 તે સાંભળીને ઈસુ ઊભો રહ્યો અને તેઓને બોલાવીને પૂછયું, “તમે મારી પાસે તમારા માટે શું કરાવવા ઈચ્છો છો?”
  • 33 તેઓએ કહ્યું, “પ્રભુ, અમારે દેખતા થવું છે.”
  • 34 ઈસુને તેમના પર દયા આવી અને તેઓની આંખોને સ્પર્શ કર્યો. અને તરત જ તેઓ જોઈ શક્યા. અને તેઓ ઈસુની પાછળ ચાલ્યા.