wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


2 કાળવ્રત્તાંત પ્રકરણ 8
  • 1 સુલેમાનને યહોવાનું મંદિર અને પોતાનો રાજમહેલ બાંધતા વીસ વર્ષ થયાં હતા.
  • 2 રાજા હૂરામે સુલેમાનને નગરો આપ્યા હતા, હવે સુલેમાને તે નગરોને ફરી બાંધ્યાં પછી તે લોકોને શહેરમાં રહેવા લઇ આવ્યો.
  • 3 ત્યારબાદ તેણે હમાથ જઇને તે કબ્જે કર્યું.
  • 4 અને તેણે રણમાં આવેલા તાદમોરને ફરીથી બંધાવ્યું અને હમાથમાં શહેરો બંધાવ્યા જ્યા લશ્કરી પડાવ હતો.
  • 5 તેણે ઉપરના બેથ-હોરોન અને નીચેના બેથ-હોરોન કિલ્લેબંધીવાળા બનાવ્યાં. તેણે શહેરોને સળિયા જડેલા દરવાજાઓ સાથે મજબૂત કિલ્લામાં ફેરવી નાખ્યા.
  • 6 તેઓને પણ કોઠારના કેન્દ્રો બનાવ્યા ઉપરાંત બાઅલાથ અને પોતાની માલિકીના બધા લશ્કરી થાણા વાળા શહેરો, એના રથો અને ધોડાઓ જેમાં રાખવામાં આવ્યા હતા તે નગરી તથા પોતે યરૂશાલેમમાં, લબાનોનમાં તથા પોતાના તાબાના આખા પ્રદેશમાં જે જે બંધાવવાનું ધાર્યુ હતું તે બધું એણે બંધાવ્યું.
  • 7 હિત્તીઓ, અમોરીઓ, પરિઝઝીઓ, હિવ્વીઓ, યબૂસીઓ વગેરે બિન ઇસ્રાએલી લોકોમાંના જેઓ દેશમાં બાકી રહ્યા હતા,
  • 8 એટલે કે જેઓનું ઇસ્રાએલીઓ નિકંદન કાઢી શક્યા નહોતા, તેઓ પાસે સુલેમાને ગુલામનું કામ કરાવડાવ્યું, જે આજે પણ ચાલુ છે.
  • 9 પણ ઇસ્રાએલીઓને માથે સુલેમાને વેઠ નાખી નહોતી, તેઓ તેના યોદ્ધા, સેનાનાયકો, રથસેનાના તથા અશ્વસેનાના નાયકો તરીકે કામ કરતા હતા.
  • 10 લોકો ઉપર દેખરેખ રાખનાર અધિકારીઓની કુલ સંખ્યા 250 હતી.
  • 11 સુલેમાન ફારુનની કુંવરીને તેને માટે બંધાવેલ ખાસ ઘરમાં લઇ આવ્યો, તેણે કહ્યું, “દાઉદ રાજાના મહેલમાં તેણે રહેવું જોઇએ નહિ, કારણકે યહોવાનો કરારકોશ ત્યાં હતો તેથી તે સ્થાન પવિત્ર છે.”
  • 12 ત્યારબાદ સુલેમાને મંદિરની સામે બંધાવેલી વેદી ઉપર યહોવાને, મૂસાની આજ્ઞા મુજબ, તે દહનાર્પણો ચઢાવવાનું શરૂ કર્યું.
  • 13 દરરોજ, વિશ્રામવારને દિવસે, ચંદ્રદર્શનને દિવસે, તથા ત્રણ વાષિર્ક ઉત્સવોને દિવસે એટલે કે બેખમીર રોટલીને ઉત્સવ, સપ્તાહોના પર્વનો ઉત્સવ, અને માંડવાઓપર્વના ઉત્સવને દિવસે સુલેમાન મૂસાની આજ્ઞા પ્રમાણે બલિદાનો અર્પણ કરતો હતો.
  • 14 તેણે દેવના સેવક પોતાના પિતા દાઉદે તૈયાર કરેલા આયોજન મુજબ સેવાપૂજાનાં કાર્યો માટે યાજકોની ટોળી નક્કી કરી, રોજની વિધિ અનુસાર યાજકોને સેવાપૂજામાં મદદ કરવા લેવીઓની ટૂકડીઓની નિમણૂંક કરી, અને દરેક દરવાજે દરવાનોની ટૂકડી પણ નક્કી કરી.
  • 15 દાઉદે યાજકોને, લેવીઓને અને ભંડારોને લગતી જે આજ્ઞાઓ આપી હતી તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું.
  • 16 આમ, યહોવાના મંદિરના પાયાથી માંડીને એની સમાપ્તિ સુધીનું સુલેમાનનું બધું કામ પૂર્ણ કર્યુ.
  • 17 પછી સુલેમાન અદોમ દેશમાં દરિયાકિનારે આવેલાં એસ્યોનગેબેર અને એલોથ નગરોમાં ગયો.
  • 18 હૂરામે પોતાના અમલદારો મારફતે સુલેમાન માટે અનુભવી નાવિકો સાથે હોડીઓ મોકલી આપી, તેઓ સુલેમાનના માણસો સાથે ઓફીર જઇને ત્યાંથી 15,300 કિલો સોનું લઇ આવ્યાં અને તે સુલેમાનને પહોંચાડ્યું.