wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


2 કાળવ્રત્તાંત પ્રકરણ 23
  • 1 અથાલ્યા રાણીના શાસનકાળના સાતમા વષેર્ યહોયાદાએ હિંમતવાન બનીને યહોરામના પુત્ર અઝાર્યાને, યહોહાનાન પુત્ર ઇશ્માએલને, ઓબેદનો પુત્ર અઝાર્યાને, અદાયાના પુત્ર માઅસેયાને, તથા ઝિખ્રીના પુત્ર અલીશાફાટને, અને બીજાઓને બોલાવડાવી તેમની સાથે કોલકરાર કર્યા.
  • 2 તેઓએ સમગ્ર યહૂદામાં ફરીને યહૂદાના બધાં નગરોમાં લેવીઓને તેમજ ઇસ્રાએલી કુટુંબોના વડીલ આગેવાનોને યરૂશાલેમમાં એકઠા કર્યા.
  • 3 અને એ સમગ્ર સમૂહે દેવનાં મંદિરમાં રાજા સાથે કરાર કર્યો.યહોયાદાએ તેમને કહ્યું, “રાજાનો કુંવર શાસન કરશે. દાઉદના વંશજો જ રાજા થશે, એવું યહોવાએ વચન આપ્યું હતું તે મુજબ જ થશે.
  • 4 તમારે બધાએ આ પ્રમાણે કરવાનું છે: તમારી ત્રણ ટૂકડી છે. તેમાંથી યાજકો અને લેવીઓની જેજે ટૂકડીઓ વિશ્રામવારે ફરજ પર રહેવાનું છે, તેણે દરવાજાની ચોકી કરવી; બીજી ટૂકડીએ રાજમહેલની ચોકી કરવી,
  • 5 અને ત્રીજી ટૂકડીએ પાયાના દરવાજાની ચોકી કરવી અને બધા લોકોએ યહોવાના મંદિરના પ્રાંગણમાં રહેવું.
  • 6 પરંતુ યાજકો તથા જે લેવીઓ સેવા કરતા હોય તેઓના સિવાયના કોઇએ યહોવાના મંદિરમાં પ્રવેશ કરવો નહિ; ફકત તેમણે જ અંદર જવું, કારણકે તેઓ પવિત્ર છે; પરંતુ સર્વ લોકોએ યહોવાના નિયમોનો અમલ કરવો.
  • 7 લેવીઓએ પોતાની તરવાર હાથમાં રાખીને રાજાની આસપાસ ગોઠવાઇ તેનું રક્ષણ કરવું. જે કોઇ મંદિરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે તેને મારી નાખવો. રાજા જ્યાં જાય ત્યાં તેમણે તેની સાથે રહેવું.”
  • 8 મુખ્ય યાજક યહોયાદાની આજ્ઞાનું લેવીઓએ તથા સર્વ યહૂદાવાસીઓએ અક્ષરશ: પાલન કર્યુ. યાજક યહોયાદાએ સમૂહમાંથી કોઇને પણ છોડ્યા નહિ. તેથી દરેક આગેવાન તેના માણસો સાથે આવ્યાં, તે બન્ને પ્રકારના માણસો જેઓ વિશ્રામવારને દિવસે અંદર આવ્યા, અને જેઓ વિશ્રામવારને દિવસે બહાર ગયા.
  • 9 પછી યાજક યહોયાદાએ રથાધિપતિઓને રાજા દાઉદે યહોવાના મંદિરમાં આપેલાં ભાલા અને નાની-મોટી ઢાલો વહેંચી આપ્યાં;
  • 10 અને એ લોકોના હાથમાં હથિયાર સાથે મંદિરની જમણી બાજુ અને ડાબી બાજુ સુધી વેદી અને મંદિરને ઘેરીને રાજાનું રક્ષણ કરવા ગોઠવી દીધા.
  • 11 ત્યારબાદ યહોયાદા રાજકુંવરને લઇ આવ્યો અને તેના માથા ઉપર રાજમુગટ પહેરાવ્યો. પછી તેણે તેના હાથમાં નિયમશાસ્ત્રના ગ્રંથની નકલ આપી તેને રાજા જાહેર કર્યો. ત્યારબાદ, યહોયાદા અને તેના પુત્રો દ્વારા તેનો રાજ્યાભિષેક કરાયા બાદ તેઓએ રાજા ઘણું જીવો ના પોકારો કર્યા.
  • 12 જ્યારે અથાલ્યા રાણીએ, લોકોની ભાગદોડનો અવાજ અને રાજાની સ્તુતિના પોકારો સાંભળ્યા ત્યારે શું બની રહ્યું છે તે જોવા માટે તે મંદિરમાં દોડી આવી.
  • 13 ત્યાં તેણે રાજાને પ્રવેશદ્વાર આગળ મંચ ઉપર ઊભેલો જોયો. તેની પાસે લશ્કરી અધિકારીઓ અને રણશિંગડાં વગાડનારાઓ ઊભા હતા. દેશનાં દરેક ભાગોમાંથી આવેલા લોકો આનંદ કરીને રણશિંગડાં વગાડતા હતા. ગાયકો વાજિંત્રો સાથે ગીતો ગાઇને દેવની સ્તુતિ કરતાં હતાં. અથાલ્યાએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં અને તેણે મોટે સાદે બૂમ પાડી, “રાજદ્રોહ, રાજદ્રોહ!”
  • 14 યાજક યહોયાદાએ સેનાનાયકોને હુકમ કર્યો, “એને મંદિરની બહાર લશ્કરની વચ્ચે લઇ જાઓ અને જે કોઇ એની સાથે આવે તેની હત્યા કરો.” પછી યાજકે ચેતવણી આપતાં કહ્યું, “યહોવાના મંદિરમાં એનો વધ કરવાનો નથી.”
  • 15 તેથી તેઓ તેને પકડીને રાજમહેલ સુધી લઇ ગયા અને ત્યાં “ઘોડા-દરવાજાના” પ્રવેશ દ્વાર પાસે તેનો વધ કર્યો.
  • 16 તે પછી યહોયાદાએ ગંભીર કરાર કર્યો કે, તે પોતે રાજા અને લોકો યહોવાના જ બનીને રહેશે.
  • 17 અને પછી બધા લોકોએ બઆલને મંદિરે જઇ તેને તોડી નાખ્યું; તેમણે તેની વેદીઓ અને મૂર્તિઓ ભાંગી નાખી અને યાજક મત્તાનને વેદીઓની સામે જ મારી નાખ્યો.
  • 18 ત્યારબાદ મૂસાના નિયમશાસ્ત્રના જણાવ્યા પ્રમાણે યહોયાદાએ, યજ્ઞો અર્પણ કરવા માટે લેવીઓમાંથી યાજકોની નિમણૂંક કરી. દાઉદ રાજાના સમયમાં જે કુટુંબો સેવા આપતા હતા, તેઓને એ જ સેવાઓ સોંપી. તેઓ યહોવા માટે કામ કરતાં આનંદથી ગીતો ગાતા હતા.
  • 19 પછી તેણે યહોવાના મંદિરના દરવાજાઓ આગળ દ્વારપાળો ગોઠવી દીધા જેથી કોઇ પણ રીતે અશુદ્ધ હોય એવો માણસ તેમાં દાખલ ન થાય.
  • 20 ત્યારબાદ રક્ષકદળના નાયકોને, આગળપડતા પુરુષોને, અમલદારોને તથા દેશના બધા લોકોને સાથે લઇને રાજાને મંદિરની બહાર લઇ જવામાં આવ્યો અને પછી યહોવાનાં મંદિરના ‘ઉપલા દરવાજાથી’ રાજમહેલમાં લઇ ગયાને તેને રાજસિંહાસન ઉપર બેસાડ્યો.
  • 21 દેશનાં સર્વ લોકો ખૂબ આનંદ પામ્યા હતા અને નગરમાં સર્વત્ર શાંતિ વ્યાપી ગઇ હતી કારણકે રાણી અથાલ્યા મૃત્યુ પામી હતી.