- 1 ઇસ્રાએલના રાજા યહોઆહાઝના પુત્ર યોઆશને બીજે વષેર્ યહૂદાના રાજા યોઆશનો પુત્ર અમાસ્યા રાજ કરવા લાગ્યો.
- 2 તે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી, અને તેણે યરૂશાલેમમાં 29 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ યહોઆદ્દીન હતું અને તે યરૂશાલેમની હતી.
- 3 અમાસ્યાએ યહોવાની દ્રષ્ટિએ યોગ્ય ગણાય એવું આચરણ કર્યું. જો કે છેક પિતૃ દાઉદના જેવું તો નહિ જ, તે બધી બાબતમાં પોતાના પિતા યોઆશને પગલે ચાલ્યો.
- 4 પણ તેણે મહત્વના સ્થાનકોનો, મહત્વની જગ્યાઓનો નાશ નહોતો કર્યો. અને લોકોએ ત્યાં બલિદાનો અર્પણ કરવાનું અને ધૂપ પેટાવવાનું ચાલુ રાખ્યું હતું.
- 5 તેનું શાસન સુસ્થાપિત થઇ ગયા પછી તરત જ તેણે પોતાના પિતાનું ખૂન કરનારા અમલદારોને મારી નાખ્યા,
- 6 પણ તેમના બાળકોને જીવતા રહેવા દીધા, કારણ, મૂસાની સંહિતામાં યહોવાએ જણાવેલું છે કે, “સંતાનોના ગુના માટે મા-બાપને કે મા-બાપના ગુના માટે સંતાનોને દેહાંતદંડ ન દેવો, પ્રત્યેકને તેના પોતાના પાપ માટે જ દેહાંતદંડ દેવો.”
- 7 અમાસ્યાએ 10,000 અદોમીઓને મીઠાની ખીણમાં હરાવ્યા અને તેણે સેલા નગરને કબજે પણ કરી લીધું, તેણે તેનું નામ યોકતએલ પાડયું અને આજે એ જ નામે ઓળખાય છે.”
- 8 પછી અમાસ્યાએ ઇસ્રાએલના રાજા યોઆશને સંદેશો મોકલીને પડકાર કર્યો, “તારું સૈન્ય લઈને યુદ્ધ માટે આવી જા.”
- 9 રાજા યોઆશે અમાસ્યાને જવાબ આપ્યો, “લબાનોન કાંટાળી ઝાડીએ લબાનોનના એરેજવૃક્ષ પાસે સંદેશો મોકલ્યો છે, ‘મારે તારી દીકરી જોઇએ છે; મારા પુત્રની પત્ની બનવા માટે.’ પણ લબાનોનના જંગલી પશુઓએ આવીને કાંટાળી ઝાડીને કચડી નાખી.
- 10 સાચે જ તેં અદોમનો નાશ કર્યો છે માટે તને એનો ખૂબ ગર્વ છે. પણ મારી સલાહ છે કે તારી જીતથી સંતોષ માન અને તારા ઘેર જ બેસી રહે. તારા પોતાના પર અને યહૂદા પર એમ બંને પર શા માટે આફત નોતરે છે?”
- 11 છતાં અમાસ્યાએ સાંભળવાની ચિંતા કરી નહિ, તેથી ઇસ્રાએલનાં રાજા યોઆશ યુદ્ધે ચડયો, તે અને અમાસ્યા યહૂદામાં આવેલા બેથશેમશ આગળ બળનું પારખું કરવા ભેગા થયા.
- 12 ઇસ્રાએલીઓએ યહૂદાના લોકોને હરાવ્યા અને તેઓ પોતાને ઘેર ભાગી ગયા. યહૂદાના રાજા અમાસ્યાને પકડયો અને યરૂશાલેમ ગયા.
- 13 ત્યાં તેણે એફ્રાઈમ દરવાજાથી તે ખૂણાના દરવાજા સુધીનો 400 હાથની યરૂશાલેમની ભીત તોડી પાડી.
- 14 તેણે બધું સોનું, ચાંદી, મંદિરમા મળી શકે તે બધાં વાસણો, અને રાજમહેલનો ખજાનો લઇ લીધો અને બંધકોને પણ લઇને તે સમરૂન પાછો ગયો.
- 15 યોઆશના શાસનનાં બીજાં બનાવો, તેનો વિજય અને યહૂદાના રાજા અમાસ્યા સાથેનાં તેનાં યુદ્ધો તે બધું ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.
- 16 આમ યોઆશ પિતૃલોકને પામ્યો અને તેને ઇસ્રાએલના રાજાઓ ભેગો સમરૂનમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર યરોબઆમ રાજગાદી પર આવ્યો.
- 17 ઇસ્રાએલના રાજા યોઆશના મૃત્યુ પછી યહૂદાનો રાજા અમાસ્યા 15 વર્ષ જીવ્યો.
- 18 અમાસ્યાના શાસન દરમ્યાનના બીજા બનાવો યહૂદાના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.
- 19 તેની સામે યરૂશાલેમમાં કાવતરું રચવામાં આવ્યું, તેથી તે લાખીશ ભાગી ગયો, પણ લાખીશ સુધી તેના દુશ્મનોએ હત્યારા મોકલીને તેનો પીછો કર્યો અને ત્યાં જ તેને મારી નાખવામાં આવ્યો.
- 20 ઘોડસવારો મારફતે તેના મૃતદેહને યરૂશાલેમ લાવવામાં આવ્યો અને તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ ભેગો દફનાવવામાં આવ્યો.
- 21 યહૂદાના બધા લોકોએ 16 વર્ષની ઉંમરના તેના પુત્ર અઝાર્યાને પસંદ કર્યો અને તેના પિતા પછી તેને રાજા બનાવ્યો.
- 22 અમાસ્યાના અવસાન પછી અઝાર્યાએ એલાથ યહૂદા માટે પાછું મેળવ્યું અને તેને ફરી બંધાવ્યું.
- 23 યહૂદાના રાજા યોઆશના પુત્ર અમાસ્યાના શાસનના 15 મા વષેર્ યોઆશનો પુત્ર યરોબઆમ સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો અને તેણે 41 વર્ષ રાજ કર્યું.
- 24 તેણે યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યુ. નબાટના પુત્ર યરોબઆમે ઇસ્રાએલીઓને પાપકમોર્ કરવા પ્રેર્યા હતાં તે એણે છોડયાં નહિ,
- 25 ઇસ્રાએલના દેવ યહોવાએ પોતાના સેવક ગાથ-હેફેરના પ્રબોધક આમિત્તાયના પુત્ર યૂના મારફતે ઉચ્ચારેલી વાણી પ્રમાણે યરોબઆમે હમાથના ઘાટથી તે મૃતસરોવર સુધીની ઇસ્રાએલની સરહદ પાછી મેળવી લીધી,
- 26 કારણ, યહોવાએ જોઈ લીધું હતું કે ઇસ્રાએલને કેવાં આકરાં કષ્ટો સહન કરવાં પડે છે અને ઇસ્રાએલની સાથે ચડે એવું કોઈ રહ્યું નહોતું.
- 27 પણ યહોવાએ ઇસ્રાએલના નામને ધરતીના પડ પરથી ભૂંસી ન નાખવાનો નિશ્ચય કર્યો હતો, આથી તેમણે યોઆશના પુત્ર યરોબઆમ મારફત તેમણે તેઓને વિજય અપાવ્યા.
- 28 યરોબઆમના શાસનના બીજા બનાવો, તેણે મેળવેલા વિજયો અને તેના પરાક્રમો અને તેણે દમસ્ક અને હમાથ પર ઇસ્રાએલનો કબજો પાછો મેળવી આપ્યો એ બધું ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં નોંધાયેલું છે.
- 29 પછી યરોબઆમ બીજો મૃત્યુ પામ્યો અને તેને ઇસ્રાએલના રાજાઓ ભેગો સમરૂનમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર ઝખાર્યા રાજગાદી પર આવ્યો.
2 Kings 14
- Details
- Parent Category: Old Testament
- Category: 2 Kings
2 રાજઓ પ્રકરણ 14