wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


આમોસ પ્રકરણ 4
  • 1 હે સમરૂન પર્વત પર રહેતી બાશાનની તંદુરસ્ત ગાયો, તમે કે જે ગરીબોને હેરાન કરો છો અને દુર્બળોને સતાવો છો, તમે કે જે તમારા પતિને કહો છો, “ચાલો આપણે પીએ.” તમે આ વચનો સાંભળો.
  • 2 સૈન્યોનો દેવ મારા માલિક યહોવાએ તેની પવિત્રતાને નામે પ્રતિજ્ઞા લીધી છે કે, તમારા પર આપત્તિના દિવસો આવી પડશે કે જ્યારે પશુની જેમ તમારા નાકમાં વાળી સાથે તમને લઇ જવામાં આવશે. તમારામાંના બાકી રહેલાઓને માછલી પકડવાના ગલ વડે ઘસડી જવામાં આવશે.
  • 3 દીવાલના બાકોરામાંથી તમને સીધા તમારા નગરમાંથી લઇ જવામાં આવશે અને તમને હામોર્નમાં ફેંકવામાં આવશે. આ યહોવાના વચન છે.
  • 4 “બેથેલ અને ગિલ્ગાલ જઇ; બલિદાન અપીર્ તમારા પાપ વધારતાં જાઓ. રોજ સવારે તમારા બલિદાન અર્પણ કરો. અને અઠવાડિયામાં બે વાર તમારાં દશાંશ-ઊપજનો દશમો ભાગ ધરાવો.
  • 5 ખમીરવાળી રોટલી આભાર અર્પણ તરીકે અર્પણ કરો અને તમારી મરજી મુજબના અર્પણો ક્યારે લાવશો તેની જાહેરાત કરો. કારણકે હે ઇસ્રાએલીઓ, આમ કરવું તમને ગમે છે.”
  • 6 “આ કારણથી મે તમને મારા તરફથી તમારા નગરમાં ભૂખ્યા પેટે રાખ્યા. અને તમારી વસાહતોમાં દુકાળ ઉત્પન્ન કર્યો. તેમ છતાં તમે મારી પાસે આવ્યા નહિ. “ આ યહોવાના વચનો છે.
  • 7 “કાપણીને ત્રણ મહિનાનો સમય હતો, ત્યારથી મેં તમારે ત્યાં વરસાદ વરસાવતો અટકાવી દીધો. એક ગામમાં વરસાદ વરસતો અને બીજામાં ન વરસાવતો. એક ખેતરમાં વરસતો અને બીજામાં ન વરસતા તે સુકાઇ જતું.
  • 8 તેથી બે - ત્રણ ગામના લોકો લથડિયાં ખાતા પાણી માટે બીજા એક ગામમાં જતા. પણ પાણી પામતા નહિ. તેમ છતાં તમે પાછા મારે શરણે ન આવ્યા.” આ યહોવાના વચન છે.
  • 9 “મેં તમારા આનાજના ખેતરો સૂકવી નાખ્યા, તમારા બાગો અને દ્રાક્ષના બગીચાઓ તડકાથી શામળાં પાડી દીધા, તીડ તમારાં અંજીરના વૃક્ષો અને જૈતૂનના ફૂલ ઝાડના બગીચા ખાઇ ગયા, છતાઁ તમે મારી તરફ પાછા ફર્યા નહિ.” આ યહોવાના વચનો છે.
  • 10 “મેં મિસરમાં મરકીનો રોગચાળો ફેલાવ્યો હતો. તમારા જુવાન યોદ્ધાઓનો તરવારથી મેં સંહાર કર્યો. તમારા ઘોડાઓનું હું હરણ કરી ગયો, તમારી છાવણીઓને મેં મૃતદેહોથી ગંધાતી કરી મૂકી, છતાં તમે પાછા મારે શરણે ન આવ્યાં.” આ યહોવાના વચન છે.
  • 11 “મેં જેમ સદોમ અને ગમોરામાં કર્યુ હતું, તેમ તમારા પર ત્રાસદાયક આફતો મોકલાવી, તમે આગમાંથી કાઢેલા લાકડાના ઢીમચા જેવા થઇ ગયા; છતાં તમે મારી પાસે પાછા આવ્યા નહિ.” આ યહોવાના વચનો છે.
  • 12 “એ માટે, હે ઇસ્રાએલ, હું તને એ જ હાલતમાં મુકીશ, હું તારા એવા જ હાલ કરીશ. માટે તમે મને, તમારા દેવને મળવા તૈયાર થાઓ.
  • 13 હાં તું તારી જાતને તૈયાર કર, જેને તું મળવાનો છે તે પર્વતોને બનાવનાર, વાયુનો સર્જનહાર છે. એ જ છે જે મનુષ્ય શું વિચારે છે તે પ્રગટ કરે છે. તે એ જ છે જે પ્રભાતને અંધકારમાં ફેરવી નાખે છે અને દુનિયાની ઉંચાઇ પર ચાલે છે. તેનું નામ સૈન્યોનો દેવ યહોવા છે.