wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


સભાશિક્ષક પ્રકરણ 9
  • 1 એ બાબતમાં મેં જ્યારે કાળજીપૂર્વક તપાસ કરી તો મને જાણવા મળ્યું કે દરેકના કાર્યનું ફળ સદાચારી અને જ્ઞાની લોકો માટે પણ દેવ પર નિર્ભર છે. પણ કોઇ જાણતું નથી કે તેને પ્રેમ મળશે કે ધિક્કાર અથવા તેની પાસે શું આવશે?
  • 2 બધા લોકો સારા કે ખરાબ, પ્રમાણિક કે દુષ્ટ, અર્પણો અર્પનાર કે નહિ અર્પનાર સૌનું ભાવિ એક જ છે, સારો માણસ અને પાપી, જે પ્રતિજ્ઞા લે છે અને જે નથી લેતો સર્વ સમાન છે.
  • 3 સર્વ મનુષ્યોની ગતિ એક જ થવાની છે, એ તો જે બધાં કામ દુનિયામાં થાય છે તેઓમાંનો એક અનર્થ છે; વળી માણસોનું અંત:કરણ ભૂંડાઇથી ભરપૂર છે, જ્યાં સુધી તેઓ જીવે છે ત્યાં સુધી તેઓના હૃદયમાં ગાંડપણ હોય છે, અને તે પછી તેઓ મૂએલાંઓમાં ભળી જાય છે. કારણ કે તેઓને કોઇ આશા નથી. તેમને તો સામે ફકત મૃત્યું જ દેખાય છે.
  • 4 જેનો સંબંધ સર્વ જીવતાઓની સાથે છે તેને આશા છે;કારણ કે જીવતો કૂતરો મૂએલા સિંહ કરતાં સારો છે.
  • 5 જીવતાં મનુષ્યો એટલું જાણે છે કે એક દિવસ તેઓ મરી જશે. પરંતુ મરેલાંઓ તો કશુંજ જાણતા નથી. તેઓને કોઇ બદલો મળતો નથી. તેઓની સ્મૃતિ પણ નાશ પામી જાય છે.
  • 6 તેમનો પ્રેમ,ઇર્ષ્યા, ધિક્કાર, અને જે કાંઇ તેઓના જીવનકાળ દરમ્યાન તેઓમાં હતું તે ભૂતકાળ બની ગયું છે અને હવે દુનિયામાં જે કાંઇ થઇ રહ્યું છે તેમાં તેઓને કોઇ લેવાદેવા નથી.
  • 7 તેથી તારે રસ્તે ચાલ્યો જા, ખાનપાન કર અને જીવનનો આનંદ માણ, દેવ સમક્ષ તે માન્ય છે.
  • 8 સુંદર શ્વેત વસ્રો સદા ધારણ કર. અને તારા મસ્તકને અત્તરની ખોટ કદી પડવા દઇશ નહિ.
  • 9 દુનિયા પર જે ક્ષણિક જીવન તેણે તને આપ્યું છે, તે તારી પત્ની, જેના પર તું પ્રેમ કરે છે, તેની સાથે આનંદથી વિતાવ, કારણ કે દેવે તને જે પત્ની આપી છે તે તારા દુનિયા પરનાં ભારે પરિશ્રમનો ઉત્તમ બદલો છે.
  • 10 જે કઁઇ કામ તારે હાથ લાગે તે હૃદયપૂર્વક કર; કારણ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કઈં પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.
  • 11 ફરી પાછું મેં જાણ્યું કે હંમેશા વેગવાન સ્પર્ધા જીતતા નથી અને યુદ્ધોમાં બળવાનની હંમેશા જીત થતી નથી. અને ડાહ્યાં હંમેશા તેઓની રોટલી માટે કમાતા નથી. અને બુદ્ધિ હંમેશા ધન ઉપજાવતી નથી. તેમજ ચતુર હંમેશા દયા (આશીર્વાદ) દ્રષ્ટિ પામતા નથી. સમય અને આડી અવળી આકસ્મિક ઘટના તો દરેકને બને છે.
  • 12 મનુષ્ય પણ પોતાનો સમય જાણતો નથી; કેમ કે જેમ માછલાં ક્રૂર જાળમાં સપડાઇ જાય છે, અને જેમ પક્ષીઓ ફાંદામાં ફસાય છે, તેમ જ ભૂંડો સમય માણસો ઉપર એકાએક આવી પડે છે, અને તેમને ફસાવે છે
  • 13 વળી માણસોના વ્યવહારમાં મેં એક બીજી જ્ઞાનની બાબત જોઇ અને મારા ઉપર તેની ઉંડી અસર થઇ.
  • 14 ઓછી વસ્તીવાળું એક નાનું નગર હતું, એક બળવાન રાજા પોતાના સૈન્ય સાથે નગર પર ચડી આવ્યો, અને તેને આજુબાજુ મોટો યુદ્ધની સામગ્રીઓથી ઘેરો ઘાલ્યો.
  • 15 હવે આ નગરમાં એક ખૂબ ગરીબ પણ બુદ્ધિમાન માણસ રહેતો હતો. તે જાણતો હતો કે નગરને કેવી રીતે બચાવવું, પોતાની બુદ્ધિ અને સલાહથી તેણે નગરને બચાવ્યું પણ થોડા સમય પછી સર્વ તેને ભૂલી ગયા.
  • 16 ત્યારે મેં કહ્યું કે, બળ કરતાં બુદ્ધિ ઉત્તમ છે; તેમ છતાં ગરીબ માણસની બુદ્ધિને તુચ્છ ગણવામાં આવે છે, અને તેનું કહેવું કોઇ સાંભળતું નથી.
  • 17 પરંતુ શાશકોના મૂખોર્ વચ્ચેના બૂમબરાડાં કરતાં બુદ્ધિમાન માણસના થોડાં શાંત બોલ વધારે સારા છે.
  • 18 યુદ્ધશસ્રો કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે; પણ એક જ પાપી માણસ ઘણા સારા લોકોનો નાશ કરી શકે છે.