- 1 હવે યહોવાએ મૂસાને કહ્યું,
- 2 “પ્રથમ માંસના પ્રથમ દિવસે તું પવિત્રમડંપ ઊભો કરજે.
- 3 પછી જેમાં દશ આજ્ઞાઓ મૂકેલી છે, તે સાક્ષ્યકોશ મંડપમાં મૂકજે; અને પરમપવિત્ર સ્થાનમાં સાક્ષ્યકોશને પડદાથી ઢાંકી દેજે.
- 4 પછી મેજ લાવીને તેના પર પાત્રો ગોઠવજે, અને દીવી લાવીને તેના પર કોડિયાં ગોઠવીને દીવાઓ પ્રગટાવજે.
- 5 ત્યારબાદ સાક્ષ્યકોશ આગળ સોનાની ધૂપદાની ગોઠવજે.
- 6 “પ્રવેશદ્વારનો પડદો મુલાકાતમંડપમાં યથાસ્થાને લટકાવજે. અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર સામે દહનાર્પણ માંટે વેદી મૂકજે.
- 7 મુલાકાતમંડપ અને વેદીની વચ્ચે કૂડી મૂકજે અને તેમાં પાણી ભરજે.
- 8 મુલાકાત મંડપના બહારના ભાગમાં ચારે બાજુ આંગણું તૈયાર કરજે અને આંગણાના પ્રવેશદ્વારે પડદો લટકાવજે.
- 9 “પછી અભિષેકનું તેલ લઈ પવિત્રમંડપનો તથા તેમાંની સર્વ વસ્તુઓનો અભિષેક કરી, તેની તથા તેમાંના બધા રાચરચીલાની શુદ્ધિ કરજે તેથી એ પવિત્ર થઈ જશે.
- 10 વેદીનો અને તેનાં સર્વ સાધનોનો પણ અભિષેક કરી તેમની શુદ્ધ કરજે તેથી તે પણ અત્યંત પવિત્ર થઈ જશે.
- 11 કૂડી અને તેની ઘોડીની પણ શુદ્ધિ કરવા માંટે અભિષેક કરજે.
- 12 “પછી તું હારુનને અને તના પુત્રોને મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ લાવજે અને તેમને જળથી સ્નાન કરાવજે.
- 13 ત્યારબાદ હારુનને પવિત્ર પોશાક પહેરાવજે અને તેનો અભિષેક કરજે, અને યાજક તરીકે માંરી સેવા કરવા માંટે તેને પવિત્ર કરજે.
- 14 ત્યાર પછી તું તેના પુત્રોને આગળ લાવીને અંગરખાં પહેરાવજે.
- 15 તેમના પિતાની જેમ તમને પણ અભિષેક કરી યાજકપદે દીક્ષિત કરજે. તેમનો અભિષેક કરવાથી તેઓ અને તેમના વંશજો કાયમ માંટે યાજકો બનશે.”
- 16 યહોવાએ મૂસાને જે આજ્ઞા કરી હતી તે પ્રમાંણે કરવા માંટે મૂસા આગળ વધ્યો.
- 17 બીજા વર્ષના પ્રથમ માંસના પ્રથમ દિવસે પવિત્રમંડપ ઊભો કરવામાં આવ્યો.
- 18 મૂસાએ કૂભીઓ ગોઠવી. પાટિયાં બેસાડયાં, વળીઓ જડી દીધી અને થાંભલીઓ ઊભી કરી દીધી.
- 19 યહોવાએ તેને કહ્યું હતું તે પ્રમાંણે પવિત્રમંડપ ઉપર આવરણ પાથરી દીધું અને છેક ઉપર આચ્છાદન લગાવ્યા.
- 20 અને તેની પર યહોવાની આજ્ઞા મુજબ ઢાંકણ પાથરી દીધું. તેણે સાક્ષ્યલેખ કોશમાં મૂકી, કડાંમાં દાંડીઓ બેસાડી કરારકોશને મથાળે ઢાંકણ મૂકી દીધું.
- 21 પછી પવિત્રકોશને તે પવિત્રમંડપમાં લાવ્યો અને યહોવાની આજ્ઞા અનુસાર તેને ઢાંકવા પડદો લટકાવ્યો.
- 22 મુલાકાતમંડપમાં ઉત્તર બાજુએ તેણે પડદાની બહાર મેજ મૂકયો.
- 23 અને તેના ઉપર યહોવાની આજ્ઞા અનુસાર યહોવાને ધરાવેલી રોટલી મૂકી.
- 24 મુલાકાત મંડપની અંદર મેજની સામે દક્ષિણ બાજુએ તેમણે દીવી મૂકી.
- 25 અને યહોવાની આજ્ઞા મુજબ તેના ઉપર યહોવા સમક્ષ દીવા સળગાવ્યાં.
- 26 મુલાકાતમંડપમાં પડદાની આગળ તેણે સોનાની વેદી મૂકી.
- 27 યહોવાની આજ્ઞા અનુસાર તેમાં સુંગધી ધૂપ કર્યો.
- 28 પવિત્રમંડપના પ્રવેશદ્વારે તેણે પડદો લટકાવ્યો.
- 29 તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પર અર્પણોને બાળવા માંટે વેદી ગોઠવી, અને તેના ઉપર બળેલાં દહનાર્પણ અને ખાધાર્પણ અર્પવા આ બધું તેણે દેવની આજ્ઞા મુજબ કર્યુ.
- 30 તેણે મુલાકાતમંડપ અને વેદીની વચ્ચે કૂડી ગોઠવી અને તેમાં હાથપગ ધોવા માંટે પાણી રેડયું;
- 31 મૂસા અને હારુન અને તેના પુત્રો મુલાકાતમંડપમાં પ્રવેશ કરવા અથવા આહુતિ અર્પણ કરવા વેદી પાસે જતા.
- 32 ત્યારે યહોવાએ મૂસાને આજ્ઞા કર્યા મુજબ એમાંથી હાથપગ ધોતા.
- 33 તેણે પવિત્રમંડપ અને વેદીની ચારેબાજુ આંગણું ઊભું કર્યુ. અને આંગણાના પ્રવેશદ્વારે પડદા વડે દરવાજો બનાવ્યો. આ પ્રમાંણે મૂસાએ કાર્ય પરિપૂર્ણ કર્યું.
- 34 ત્યારબાદ મુલાકાતમંડપને વાદળે ઘેરી લીધો. અને યહોવાનું ગૌરવ મંડપમાં વ્યાપી ગયું.
- 35 મૂસા મુલાકાત મંડપમાં પ્રવેશી શકયો નહિ, કેમ કે, વાદળ તેના પર સ્થિર થયું હતું, અને યહોવાનું ગૌરવ મંડપમાં પ્રસરી ગયું હતું.
- 36 ઇસ્રાએલીઓના પ્રવાસના પ્રત્યેક મુકામે જયારે વાદળ મંડપ પરથી હઠી જતું ત્યારે તે લોકો મુકામ ઉપાડતા.
- 37 પણ જો વાદળ પવિત્રમંડપ ઉપર સ્થિર થતું તો વાદળ હઠે નહિ ત્યાં સુધી તેઓ મુકામ ઉપાડતા નહિ.
- 38 દિવસ દરમ્યાન મુલાકાતમંડપ પર વાદળ આચ્છાદન કરે અને રાતે વાદળ અગ્નિમય બની જાય, એટલે ઇસ્રાએલી લોકો સમગ્ર પ્રવાસ દરમ્યાન પ્રત્યેક મુકામને જોઈ શકતા.
Exodus 40
- Details
- Parent Category: Old Testament
- Category: Exodus
નિર્ગમન પ્રકરણ 40