wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


યર્મિયાનો વિલાપપ્રકરણ 12
  • 1 ફરીથી મને યહોવાની વાણી સંભળાઇ:
  • 2 “હે મનુષ્યના પુત્ર, તું બંડખોરોની જમાતની વચ્ચે વસે છે. એ લોકો છતી આંખે દેખતા નથી, છતે કાને સાંભળતા નથી. એ તો બંડખોરોની જમાત છે.
  • 3 તેથી હે મનુષ્યના પુત્ર, તું દેશવટે જવાનો હોય એમ સરસમાન બાંધી લે અને ધોળે દિવસે સૌના દેખતાં ચાલી નીકળ; તેમના દેખતાં તું બીજે જવા નીકળી પડ. તે બળવાખોરો કદાચ તને જુએ પણ ખરા.
  • 4 “તારી મુસાફરીનો સામાન બાંધીને તેઓ જુએ તેમ દિવસ દરમ્યાન તારા ઘરમાંથી બહાર કાઢી લાવ. પછી જેમ કેદીઓને દૂરના દેશોમાં લઇ જવામાં આવે છે તે પ્રમાણે સાંજે તેઓની હાજરીમાં ઘરમાંથી બહાર નીકળી પડ.
  • 5 તેઓનાં દેખતાં નગરની ભીતમાં બાકોરું પાડી તેમાંથી તારો સામાન ઊંચકીને લઇ જા.
  • 6 તેઓનાં દેખતાં તું તારો સામાન ખભે ચઢાવ અને અંધારામાં ચાલી નીકળજે. તારું મોઢું ઢાંકી દેજે અને આજુબાજુ જોઇશ નહિ. આ બધું ઇસ્રાએલીઓને ચેતવણીરૂપ થઇ પડશે.”
  • 7 યહોવાએ મને જે કહ્યું હતું તે પ્રમાણે મેં બરાબર કર્યું. મેં દેશવટે જવા માટે બાંધીને તૈયાર કરેલો સામાન દિવસે બહાર કાઢયો. સાંજે મારા હાથે જ મેં ભીંતમાં બાકોરું પાડ્યું અને લોકોના દેખતાં જ રાત્રે મારો સામાન મારા ખભે મુકીને ચાલી નીકળ્યો.
  • 8 બીજા દિવસે સવારે યહોવાનું વચન મારી પાસે આવ્યું કે,
  • 9 “હે મનુષ્યના પુત્ર, આ બંડખોર ઇસ્રાએલી લોકોએ પૂછયું છે કે, આ સર્વનો અર્થ શો છે?
  • 10 તું તેમને કહે કે, આ યહોવાના વચન છે: આ દેવવાણી યરૂશાલેમના રાજકર્તા માટે અને ત્યાં વસતા બધા ઇસ્રાએલીઓ માટે છે.
  • 11 તું તેઓને સમજાવ; ‘હું હઝકિયેલ તમારે માટે નિશાનીરૂપ છું. મેં જે કર્યું છે તે કરવાનો તમારો વારો આવશે, તમારે દેશવટે નીકળવું પડશે અને કેદ ભોગવવી પડશે.’
  • 12 તમારા રાજા પણ આ જ પ્રમાણે તેનાથી ઊંચકી શકાય તેટલો સામાન ઊંચકીને નીકળશે અને ભીંતના બાકોરામાંથી તે બહાર જશે. તે પોતાનું મોઢું ઢાંકી દેશે જેથી તે જોઇ શકે નહિ.
  • 13 હું તેને મારી જાળમાં ફસાવીને ખાલદીઓનાં દેશ બાબિલમાં લઇ જઇશ. પરંતુ તે જોઇ શકશે નહિ અને ત્યાં જ મૃત્યુ પામશે.
  • 14 હું તેના બધા દરબારીઓને, અંગરક્ષકોને અને સમગ્ર સેનાને ચારે દિશામાં વેરવિખેર કરી નાખીશ અને હું ઉઘાડી તરવારે તેમનો પીછો પકડીશ.
  • 15 હું તેઓને જ્યારે વિવિધ પ્રજાઓમાં વિખેરી નાખીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.
  • 16 “હું તેઓમાંના થોડાને યુદ્ધ, ભૂખમરો, અને રોગચાળામાંથી ઉગારી લઇશ, જેથી તેઓ જે પ્રજાઓમાં જઇને વસ્યા હશે ત્યાં કબૂલ કરે કે તેમનાં કૃત્યો કેટલાં અધમ હતાં, અને ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.”
  • 17 પછી મને યહોવાની વાણી સંભળાઇ:
  • 18 “હે મનુષ્યના પુત્ર, તારે જમતી વખતે ધ્રુજવું અને જળપાન કરતી વખતે ભય અને ચિંતાથી થરથરવું.
  • 19 બધા લોકોને કહેજે કે, ઇસ્રાએલમાં હજી પણ વસતાં યરૂશાલેમના વતનીઓ માટે યહોવા મારા માલિકના આ વચન છે; તેઓ ડરતા ડરતા ખાશે અને ચિંતાતુર થઇને પાણી પીશે. તેમના દેશમાં વસતી દરેકે દરેક વ્યકિત હિંસક છે. તેથી તેને વેરાન બનાવી દેવામાં આવશે.
  • 20 તમારા નગરો તારાજ થઇ જશે અને તમારાં ખેતરો વેરાન થઇ જશે. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.”
  • 21 ફરીથી યહોવાએ મને કહ્યું,
  • 22 “હે મનુષ્યના પુત્ર, ઇસ્રાએલમાં લોકો આ કહેવતને વારંવાર ટાંકે છે તે શું છે:વખત વહી જાય છે અને એકે ભવિષ્યવાણી સાચી પડતી નથી.
  • 23 “તું એમને કહે: આ યહોવાના વચન છે. હું એ કહેવત જૂઠી પાડીશ, ઇસ્રાએલમાં એ હવે કદી ઉચ્ચારાશે નહિ, તેના બદલે તેઓ કહેશે;સમય આવ્યો છે અને એકેએક ભવિષ્યવાણી સાચી પડવાની જ છે!
  • 24 “હવે પછી ઇસ્રાએલ પ્રજામાં વ્યર્થ સંદર્શન થશે નહિ. અને લોકોને ખુશ રાખવા જૂઠી પ્રબોધવાણી પ્રગટ નહિ થાય.
  • 25 કારણ કે હું, યહોવા, મારે જે કહેવું હશે તે કહીશ અને જે કહીશ તે સાચું પડશે. એમાં વિલંબ નહિ થાય. હે બંડખોર ઇસ્રાએલીઓ, હું આ તમારા જીવનકાળ દરમ્યાન જ કરીશ.” આ યહોવા મારા માલિકના વચનો છે.
  • 26 પછી યહોવાનું વચન મારી પાસે આવ્યું અને તેણે કહ્યું:
  • 27 “હે મનુષ્યના પુત્ર, ઇસ્રાએલીઓ એમ માને છે કે તને જે દર્શન થાય છે તે તો દૂરના ભવિષ્યનું છે, અને તું જે ભાખે છે તે કઇં આજે ફળવાનું નથી.
  • 28 તેથી એ લોકોને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે: હવે મારા વચનો પૂરાં કરવામાં વિલંબ નહિ થાય. દરેક વચન જે હું બોલ્યો છું તે ફળીભૂત થશે.”‘ આ યહોવા મારા માલિકના વચન છે.