wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


યશાયા પ્રકરણ 14
  • 1 કેમ કે યહોવા યાકૂબ પર દયા લાવશે અને ફરીથી તેમનો સ્વીકાર કરશે. અને તેઓને પોતાની ભૂમિ ઇસ્રાએલમાં વસાવશે; વિદેશીઓ તેઓની સાથે જોડાશે. અને તેઓ પોતાને યાકૂબના વંશજો સાથે જોડશે.
  • 2 ઘણી પ્રજાઓ તેમને તેમના પોતાના વતનમાં જવામાં સાથ આપશે, અને યહોવાની આપેલી ભૂમિમાં ઇસ્રાએલીઓએ લોકોને દાસ અને દાસીઓ તરીકે રાખશે; અને તેમને કેદ પકડનારાઓને તેઓ કેદ પકડશે અને તેમના પર અન્યાય કરનારાઓ પર તેઓ રાજ્ય કરશે.
  • 3 હે ઇસ્રાએલના લોકો, યહોવા તમને તમારા કલેશથી તથા તમારા સંતાપથી અને તમે વેઠેલી સખત મજૂરીમાંથી તમને મુકિત આપશે.
  • 4 તે દિવસે તમે મહેણાં મારીને બાબિલના રાજાને કહેશો કે, “સિતમગાર કેવો શાંતિથી પડ્યો છે,” તેનો ઉગ્ર રોષ કેવો શાંત પડ્યો છે!
  • 5 યહોવાએ તારી દુષ્ટ સત્તાને કચડી નાખીને તારા દુષ્ટ શાસનનો અંત કર્યો છે.
  • 6 તમે તમારા ક્રોધમાં મારા લોકોનું દમન કર્યુ છે. તમે તેઓને સતત માર્યા છે, તમે તમારા ક્રોધમાં તેમના પર ડંખીલુ શાસન કર્યુ છે તમે પ્રજાની પર જુલમ ગુજારતાં અટક્યા નથી.
  • 7 સમગ્ર પૃથ્વી હવે નિરાંતે શાંતિ ભોગવે છે. લોકો એકાએક ગીતો ગાઇ ઉઠે છે.
  • 8 હે બાબિલનાં રાજા, તારી દશા જોઇને સરુના વૃક્ષો અને લબાનોનના ગંધતરુઓ આનંદમાં આવીને કહે છે, “તું કબરમાં સૂતો ત્યારથી કોઇ કઠિયારો અમને કાપવા આવ્યો નથી!”
  • 9 પાતાળમાં રહેલા શેઓલમાં ખળભળાટ અને ઉશ્કેરાટ મચી ગયો છે. અને તે તમે જ્યારે આવો ત્યારે તમારું સ્વાગત કરવા માટે આતુર છે. પૃથ્વી પરના બધા રાજાઓના આત્માઓ તમારું અભિવાદન કરવા પોતાના આસન પરથી ઉભા થઇ ગયા છે.”
  • 10 તેઓ બધાં તને જોઇને બોલી ઊઠે છે. “તું પણ અમારા જેવો નબળો નીકળ્યો! અમારામાંનો એક બની ગયો!”
  • 11 તારા વૈભવનો તથા તારા ગૌરવ માટે વાગતી વીણાના સંગીતનો અંત આવ્યો છે. તું શેઓલમાંપહોંચી ગયો છે. તારી પથારી અળસિયાઁની છે અને કૃમિ જ તારું ઓઢણ છે!
  • 12 હે તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે! બીજી પ્રજાઓનો નાશ કરનાર, તને કાપી નાખીને ભોંયભેગો કરવામાં આવ્યો છે.
  • 13 તું તારા મનમાં એમ માનતો હતો કે, હું આકાશમાં ઉંચે ચઢીશ, અને પ્રચંડ નક્ષત્રો કરતાં પણ ઊંચે મારું સિંહાસન માંડીશ, આકાશના ઘુમ્મટની ટોચે દેવોની સભાના પર્વત પર બેસીશ;
  • 14 હું વાદળોથી પણ ઉપર જઇશ અને પરાત્પર દેવ સમાન બનીશ.”
  • 15 પણ તું તો અધોલોકમાં આવી પડ્યો છે, પાતાળને તળિયે પહોંચી ગયો છે!
  • 16 જ્યારે જે કોઇ તને જોશે, તે તારા તરફ ટીકી રહેશે અને વિચાર કરશે કે, “શું આ એ માણસ છે, જેણે પૃથ્વીને ધ્રૂજાવી હતી, રાજ્યોને ડોલાવ્યાં હતાં જેણે જગતને અરણ્ય સમાન બનાવી દીધું હતું.
  • 17 નગરોને ખેદાનમેદાન કરી નાખ્યાં હતાં. અને જેણે કદી પોતાના કેદીઓને છોડી મૂકીને ઘેર જવા દીધા નહોતા?”
  • 18 બીજી બધી પ્રજાના રાજાઓ માનપૂર્વક પોતપોતાની કબરમાં સૂતેલા છે.
  • 19 પણ તને તો કબર પણ મળી નથી. તારા શબને તિરસ્કારપૂર્વક ફેંકી દેવામાં આવ્યું છે. તારું કચડાયેલું શબ, યુદ્ધમાં વીંધાઇ ગયેલા યોદ્ધાઓથી વીંટળાઇને એક ખાડાના ખડક તળિયે પડ્યું છે.
  • 20 તારા નામનું કોઇ સ્મારક ઊભું કરવામાં આવશે નહિ કારણ કે તેં તારા લોકોનો તેમજ તારા દેશનો નાશ કર્યો છે. તારી ગાદી પર તારો પુત્ર આવશે નહિ, તારા જેવા કુકમીર્ના વંશજોનું નામોનિશાન પણ ન રહેવું જોઇએ.
  • 21 એમના પૂર્વજોના પાપ માટે તેમની હત્યાઓ કરો, જેથી તેઓ ફરીથી ઊભા થઇ શકે નહિ, દેશને જીતી શકે નહિ અને પૃથ્વીના નગરોને ફરીથી બાંધે નહિં.”
  • 22 સૈન્યોના દેવ યહોવા કહે છે, “હું બાબિલની સામે થઇશ, હું તેનું નામોનિશાન ભુંસી નાખીશ, એનો વંશવેલો નિર્મૂળ કરી નાખીશ.
  • 23 “હું તેને શાહુડીનું વતન તથા પાણીનાં ખાબોચિયાં જેવું બનાવી દઇશ; હું વિનાશનો સાવરણો ચલાવીશ અને બધું સાફ કરી નાખીશ.” આ સૈન્યોના દેવયહોવાના વચન છે.
  • 24 સૈન્યોના દેવ યહોવા સમપૂર્વક કહે છે કે, “મારી યોજના પ્રમાણે જ બધું થશે. મારી ઇચ્છા અનુસાર જ બધું બનશે.
  • 25 હું મારા દેશનાં ડુંગરો પર આશ્શૂરને પગ તળે રોળી તેનો ભૂક્કો ઉડાવી દઇશ. ત્યારે તેની ઝૂંસરી મારા લોકો પરથી ઊતરી જશે. તેનો બોજો તેમના ખભા પરથી ઊતરી જશે.
  • 26 આ યોજના સમગ્ર પૃથ્વી માટે ઘડવામાં આવી છે. બધી પ્રજાઓ સામે આ હાથ ઉગામેલો છે.”
  • 27 સૈન્યોના દેવ યહોવાની આ યોજના છે, અને એને કોણ સમાપ્ત કરી શકે? તેમણે હાથ ઉગામ્યો છે, એને પાછો કોણ વાળી શકે?
  • 28 જ્યારે રાજા આહાઝનું અવસાન થયું તે વર્ષ દરમ્યાન આ પ્રમાણે દેવી વાણી સંભળાઇ.
  • 29 હે સર્વ પલિસ્તીઓ, તમને મારનારી લાઠી ભાંગી ગઇ છે, તેથી આનંદમાં નાચશો નહિ, કારણ કે એક સાપમાંથી બીજો એક વધારે ભયંકર સાપ જન્મ લે છે, અને તેમાંથી હજી બીજો ઊડતો સાપ પેદા થાય છે.
  • 30 પરંતુ મારા ગરીબ અને દીનદલિત લોકો રોટલો પામશે અને શાંતિથી રહેશે. હે પલિસ્તીઓ! હું દુકાળ મોકલી તમારા લોકોને જડમૂળથી ઉખેડી નાખીશ. કોઇ તેમાંથી ઉગરી શકશે નહિ.
  • 31 હે પલિસ્તી દેશનાં નગરો, આક્રંદ કરો, હે પલિસ્તીઓ, તમે સૌ ભયથી થથરી ઊઠો! કારણ ઉત્તરમાંથી તોફાનની જેમ સૈન્ય આવે છે અને એમાં કોઇ ભાગેડુ નથી.
  • 32 બીજા દેશમાંથી આવેલા સંદેશવાહકોને શો જવાબ આપવો? એ જ કે, યહોવાએ સિયોનની સ્થાપના કરી છે અને ત્યાં જ તેના ગરીબ અને કચડાયેલા લોકો આશ્રય મેળવશે.