wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


યશાયા પ્રકરણ 38
  • 1 એ દિવસો દરમ્યાન રાજા હિઝિક્યા માંદો પડ્યો અને આમોસનો પુત્ર યશાયા પ્રબોધક તેની મુલાકાત લેવાને ગયો અને યહોવા તરફથી તેને સંદેશો આપ્યો: “આ યહોવાના વચન છે: ‘તારા કુટુંબની છેલ્લી વ્યવસ્થા કરવી હોય તો કરી લે, કારણ, તારું મોત આવી રહ્યું છે, તું જીવવાનો નથી.”‘
  • 2 હિઝિક્યાએ ભીત તરફ મોં કરી યહોવાને આ પ્રમાણે પ્રાર્થના કરી:
  • 3 “હે યહોવા, હું તમારી સાક્ષીએ એકનિષ્ઠાથી અને સચ્ચાઇપૂર્વક જીવન વીતાવુ છું. અને તમારી નજરમાં જે સારું હોય તે જ કરતો રહ્યો છું.” પછી તે કટુતાપૂર્વક ખૂબ રડ્યો.
  • 4 પછી યહોવાએ યશાયાને બીજો એક સંદેશો કહ્યો:
  • 5 “તું પાછો જઇને હિઝિક્યાને કહે કે, આ તારા પિતૃ દાઉદના દેવ યહોવાના વચન છે; ‘મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારા આંસુ જોયાં છે. હું તારા આયુષ્યમાં પંદર વર્ષ વધારી આપીશ.
  • 6 હું તને અને આ નગરને આશ્શૂરના રાજાના હાથમાંથી ઉગારી લઇશ.”
  • 7 યશાયાએ કહ્યું, “યહોવાએ જે વચન કહ્યાં છે, તે તે પૂરાં કરશે. તેની આ નિશાની છે:
  • 8 જુઓ, આહાઝના છાયાયંત્ર પ્રમાણે એ સૂર્યના પડછાયાને દશ આંક પાછો હઠાવશે!” અને તરત જ પડછાયો દશ આંક પાછો હઠી ગયો.”
  • 9 હિઝિક્યા રાજાએ માંદગીમાંથી સાજા થયા પછી પોતાનો અનુભવ વિષે આ ગીત લખ્યું:
  • 10 મને થયું હતું: મારા જીવનના મધ્યાહને જ મારે શેઓલને ધ્વારે જવું પડે છે, મારા આયુષ્યના શેષ વષોર્ કપાઇ જાય છે.
  • 11 “હવે પછી કદી આ જીવલોકમાં હું યહોવાને જોવા નહિ પામું. આ દુનિયામાં વસતા માણસને હું કદી નજરેય નહિ નિહાળીશ.
  • 12 મારા ડેરાંતંબુ સમેટી લેવામાં આવ્યા છે, જેમ કાપડને શાળ પરથી કાપી નાખવામાં આવે છે તેમ, મારો જીવનપટ કાપી નાખવામાં આવ્યો છે. સમગ્ર દિવસ દરમ્યાન દેવ મને મારા જીવનના અંતની નજીક અને નજીક લઇ આવે છે.
  • 13 આખી રાત મેં કલ્પાંત કર્યુ છે; જાણે સિંહોએ ફાડી મારા ટૂકડા કર્યા હોય, સાંજ થાય ન થાય ત્યાં તો દેવ મારા જીવનનો અંત લાવશે.
  • 14 ટિટોડીની જેમ હું ટળવળું છું, હોલાની જેમ હું આક્રંદ કરું છું, મારી આંખ નભ તરફ જોઇ જોઇ થાકી ગઇ છે! હે યહોવા મારા માલિક, હું મુશ્કેલીમાં છું, તમે મને ઉગારી લેવાનું વચન આપો.”
  • 15 હું શું કહું? મારા માલિકને શું કહું? તેણે જ આ કર્યુ છે, મારા જીવની વેદનાને લીધે હું આખી જીંદગી સુધી હળવે હળવે ચાલીશ.
  • 16 હે મારા માલિક, એવાં વચનો વડે માણસો જીવન ધારણ કરે છે. હું કેવળ તારે માટે જ જીવીશ. તેં મને સાજો કર્યો છે અને જીવવા દીધો છે.
  • 17 મારી બધી વેદના શમી ગઇ છે, તેં પ્રીતિથી મારા જીવનને વિનાશની ગર્તામાંથી બચાવ્યું છે. તેં મારા બધાં પાપોને તારી પીઠ પાછળ નાખી દીધાં છે.
  • 18 જેઓ પહોંચી ગયા છે મૃત્યુલોકમાં, નથી કરી શકતાં ગુણગાન તેઓ તારા. જેઓ શેઓલમાં પહોંચી ગયા છે તેઓ તારા વચન પર વિશ્વાસ રાખી શકતા નથી.
  • 19 હું આજે કરું છું તેમ, જીવંત, હા, ફકત જીવંત વ્યકિત તારી સ્તુતિ કરી શકે છે. વડવાઓ પોતાના સંતાનોને તેં પાળેલા વચન અને વિશ્વાસુપણાની વાત કરે છે.
  • 20 “યહોવા મને તમે બચાવી લીધો છે, તેથી જીવનભર અમે તારા મંદિરમાં, વીણા વગાડતાં વગાડતાં ગીતો ગાઇશું.”
  • 21 યશાયાએ કહ્યું હતું, “અંજીરીમાંથી લેપ બનાવી તેના ગૂમડા પર લગાવો, એટલે તે સાજો થશે.”
  • 22 વળી હિઝિક્યાએ પૂછયું હતું, “હું યહોવાના મંદિરમાં જઇશ તેની કઇ નિશાની યહોવા આપશે?”