wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


યશાયા પ્રકરણ 42
  • 1 યહોવા કહે છે, “જુઓ, આ મારો સેવક છે, જેનો મેં હાથ જાલ્યો છે, એ મારો પસંદ કરેલો છે, જેના પર હું પ્રસન્ન છું, એનામાં મેં મારા આત્માનો સંચાર કર્યો છે, અને તે જગતના સર્વ લોકોમાં ન્યાયની આણ વર્તાવશે.
  • 2 તે પોતાનો સાદ ઊંચો કરશે નહિ, અને શેરીઓમાં ચોરેચૌટે ઝઘડા કરી બૂમરાણ મચાવશે નહિ.
  • 3 તે ઊઝરડાયેલા બરુને ભાંગી નાખે નહિ કે મંદ પડેલી વાટને હોલાવી નાખે નહિ, તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આણ વર્તાવશે.
  • 4 તે નબળો નહિ પડે કે હારશે નહિ, જ્યાં સુધી સમગ્ર પૃથ્વી ઉપર ન્યાયીપણું સ્થપાશે નહિ અને જ્યાં સુધી કિનારાના દેશો તેના કાયદાની પ્રતિક્ષા કરશે.”
  • 5 જે યહોવા દેવે આકાશોને ઉત્પન્ન કરીને ફેલાવ્યા છે, પૃથ્વી તથા તેમાંની વનસ્પતિથી ધરતીને વિસ્તારી છે અને એના ઉપર હરતાંફરતાં સર્વમાં શ્વાસ અને પ્રાણ પૂર્યા છે તે દેવ યહોવાની આ વાણી છે.
  • 6 “હું યહોવા છું, તારો હાથ હું પકડી રાખીશ, હું તારું રક્ષણ કરીશ અને મદદ કરીશ, કારણ કે મારા લોકોની સાથે કરેલા મારા કરારને અંગત સમર્થન આપવા મેં તને તેઓ પાસે મોકલ્યો છે. લોકોને મારી તરફ દોરી લાવનાર પ્રકાશ પણ તું જ થશે.
  • 7 તારે અંધજનોની આંખો ઉઘાડવાની છે. અને અંધકારમાં સબડતાં કેદીઓને કારાગારમાંથી બહાર કાઢવાના છે.
  • 8 હું યહોવા છું, એ જ મારું નામ છે, હું મારો મહિમા બીજા જૂઠા દેવોને નહિ લેવા દઉં, તેમ મારી સ્તુતિ હું કંડારેલી મૂર્તિઓને નહિ લેવા દઉં.
  • 9 મેં આપેલી દરેક ભવિષ્યવાણી સત્ય પૂરવાર થઇ છે અને હું ફરીથી નવી ઘટનાઓની ભવિષ્યવાણી ભાખું છું. તે ઘટનાઓ ભવિષ્યમાં બને તે પહેલાં હું તે તમને જણાવું છું.”
  • 10 યહોવા સમક્ષ નવું ગીત ગાઓ: સમગ્ર પૃથ્વી તેના સ્તુતિગાનથી ગાજી ઊઠો! હે સાગરખેડુઓ અને સાગરના સૌ જીવો, હે દરિયા કિનારાના પ્રદેશના રહેવાસીઓ, તેની સ્તુતિ ગાઓ!
  • 11 અરણ્યના નગરો, હે કેદારવંશી રણવાસીઓ અને સેલાના રહેવાસીઓ, આનંદથી પોકારી ઊઠો! પર્વતો પરથી હર્ષનાદ કરો!
  • 12 પશ્ચિમના દરિયાકાંઠે રહેનારા લોકો, તમે યહોવાનો મહિમા કરો. સૌ તેમના પરાક્રમી સાર્મથ્યનાં ગીત ગાઓ.
  • 13 યહોવા શૂરવીરની જેમ યુદ્ધને ઝનૂને ચડીને ધસી જાય છે; તે ગર્જના કરે છે, યુદ્ધનાદ જગાવે છે અને પોતાના દુશ્મનોને પોતાનું પરાક્રમ બતાવશે.
  • 14 યહોવા કહે છે, “લાંબા વખત સુધી હું શાંત રહ્યો છું, મેં મૌન જાળવ્યું છે અને હું ગમ ખાઇ ગયો છું, હવે હું પ્રસવ વેદનાથી પીડાતી સ્રીની જેમ બૂમો પાડી ઊઠીશ; હું ઊંડા શ્વાસ લઇશ.
  • 15 હું પર્વતો અને ડુંગરોને ભોંયભેગા કરી નાખીશ, તેમની બધી લીલોતરીને ચિમળાવી દઇશ; હું નદીઓનાં ભાઠાં બનાવી દઇશ અને તળાવોને સૂકવી નાખીશ.
  • 16 પછી હું આંધળાઓને દોરીશ, એવા રસ્તે ચલાવીશ જેની તમને ખબર નથી. તેમની આગળ હું અંધકારને પ્રકાશમાં ફેરવી નાખીશ. અને ખરબચડા રસ્તાને સીધા બનાવી દઇશ. આ બધું હું કરીશ. અને કશું બાકી નહિ રાખું.
  • 17 પરંતુ જેઓ મૂર્તિઓમાં વિશ્વાસ રાખે છે અને તેઓને દેવ તરીકે માને છે, તેઓ મોટી નિરાશામાં આવી પડશે. તેઓને હાંકી કાઢવામાં આવશે.”
  • 18 યહોવા કહે છે, “હે બહેરા માણસો, સાંભળો! હે આંધળા માણસો, જુઓ!
  • 19 મારા સેવક જેવું આંધળું કોણ છે? મારા સંદેશવાહક જેવું બહેરું કોણ છે? મારા નક્કી કરેલા એક યહોવાના સેવક જેવું આંધળું કોણ છે?
  • 20 તે જુએ છે ઘણું પણ, કંઇ યાદ રાખતો નથી; તેના કાન ખુલ્લા છે, પણ તે કંઇ સાંભળતો નથી.”
  • 21 યહોવાએ પોતાના નિયમ શાસ્ત્રને મહાન અને સાચે જ મહિમાવંત બનાવ્યા છે. પોતે ન્યાયી છે તે આખા જગતને દર્શાવવા તેમણે તેનું આયોજન કર્યુ છે.
  • 22 તેમ છતાં એ પ્રજા એવી નીકળી કે લૂંટાઇ ગઇ, એનું બધું હરાઇ ગયું; એ બધા ફસાઇ ગયા છે અને કારાગારમાં પૂરાયા છે, તેમને છોડાવનાર કોઇ નથી, તેઓ લૂંટાઇ ગયા છે “છતાં પાછું આપો” કહેનાર પણ કોઇ નથી.
  • 23 તમારામાંથી કોઇ મારી વાત ધ્યાનથી સાંભળે એમ છે? કોણે ઇસ્રાએલીઓને લૂંટારાઓને સોંપી દીધા! શું એ યહોવા નહોતા? તેમણે યહોવાનો ગુનો કર્યો હતો, તેઓ તેમના માગેર્ જવા માગતા નહોતા, તેના નિયમોનું પાલન કરવાની ના પાડતા હતા.
  • 24 કોણે યાકૂબને લૂંટારાઓને સુપ્રત કર્યો છે, તથા ઇસ્રાએલને લૂંટનારાઓને સ્વાધીન કર્યો છે? જે યહોવાની વિરુદ્ધ આપણે પાપ કર્યુ છે તેમણે શું એમ કર્યુ નથી? તે લોકો તેમના માગેર્ ચાલવા રાજી નહોતા. તેથી તેમણે તેમના નિયમશાસ્ત્રને પણ ધ્યાનમાં લીધા નહિ,
  • 25 માટે તેમણે એમના ઉપર પોતાનો ક્રોધાગ્નિ વરસાવ્યો અને યુદ્ધની આફત ઉતારી, તેઓ અગ્નિની જવાળાઓથી ઘેરાઇ ગયા હતા છતાં સમજ્યા નહિ, દાઝયા હતા છતાં ચેત્યા નહીઁ અને બળી મર્યા.