wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


યશાયા પ્રકરણ 53
  • 1 આપણે જે સાંભળ્યું તે કોણે માન્યું હોત? એમાં યહોવાનો હાથ હશે એવું કોણે ઓળખ્યું હોત?
  • 2 તે યહોવાની આગળ છોડની જેમ ઊગી નીકળ્યો. એનામાં નહોતું રૂપ કે નહોતી આંખોને આકર્ષતી સુંદરતા કે નહોતી મનમોહક આકૃતિ.
  • 3 લોકોએ તેની અવગણના કરી અને તેનો નકાર કર્યો. તે દુ:ખી અને વેદના પામેલો માણસ હતો. તે આપણી પાસે આવ્યો ત્યારે આપણે તેની તરફ પીઠ ફેરવી દીધી અને આપણું મુખ અવળું ફેરવી લીધું. તે ધિક્કારાયેલો હતો અને આપણે તેની ચિંતા કરી નહિ.
  • 4 તેમ છતાં તેણે આપણાં વીતકો પોતા પર લઇ લીધાં, આપણી બિમારીઓ પોતે વહોરી લીધી. આપણે તો એમ માન્યું કે તેને સજા થઇ છે, દેવે તેને આઘાત કરીને દુ:ખમાં નાંખ્યો છે;
  • 5 પણ તે તો આપણે કરેલા અપરાધો માટે વિંધાયો હતો અને આપણાં પાપો માટે કચડાયો હતો. એણે ભોગવેલી સજાને કારણે આપણે સુખશાંતિ ભોગવીએ છીએ અને તેને પડેલા ચાબખાથી આપણે સાજાસમાં છીએ.
  • 6 આપણે રસ્તો ભૂલી ગયા છીએ, અને ઘેટાંની જેમ રઝળી ગયા છે. પણ યહોવાએ આપણા બધાનો દોષ તેને માથે નાખ્યો છે.
  • 7 તેના પર ત્રાસ ગુજારવામાં આવ્યા અને તેને સંકટમાંથી પસાર થવું પડ્યું; તેમ છતાં તેણે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ. તેને હલવાનની જેમ વધ કરવા લાવવામાં આવ્યો; અને જેમ ઘેટી પોતાના કાતરનારની આગળ મૂંગી રહે, તેમ તેણે પોતાને દોષિત ઠરાવનારની આગળ પોતાનું મોં ખોલ્યું નહિ.
  • 8 તેને જુલમથી પકડવામાં આવ્યો, ને તેનો ન્યાય તોળીને તેને લઇ ગયા, તેનું શું થયું તેનો વિચાર સરખો કોઇએ કર્યો નહિ, જીવતાં માણસોની દુનિયામાંથી તેનો વિચ્છેદ કરવામાં આવ્યો, મારા લોકોના ગુનાઓ માટે તેને ઘાયલ કરી નાખવામાં આવ્યો.
  • 9 દુષ્ટો વચ્ચે તેની કબર બનાવવામાં આવી હતી અને તેનો મકબરો ધનિકો વચ્ચે મૂકવામાં આવ્યો હતો, જો કે તેણે કોઇ હિંસા આચરી નહોતી, કે કોઇ કપટ ઉચ્ચાર્યું નહોતું.
  • 10 તેમ છતાં તેને કચરવાની અને વિપત્તિઓમાંથી પસાર કરવાની યહોવાની યોજના હતી. પણ જ્યારે તેના આત્માનું દોષાર્થાર્પણ થશે ત્યારે તે પોતાનાં વંશજોને જોવા પામશે, તે લાંબુ જીવન જીવશે અને યહોવાની યોજના તેના દ્વારા સફળ થશે.
  • 11 તેની બધી વેદનાઓને અંતે તે પ્રકાશ જોવા પામશે અને પરમ તૃપ્તિ અનુભવશે. પ્રભુ કહે છે, “આમ મારો નિદોર્ષ સેવક અનેકોને નીતિમાન બનાવશે, અને તેમની સજા પોતાને માથે લઇ લેશે.”
  • 12 તેથી હું તેને પરાક્રમી તથા મહાન માણસોની જેમ યુદ્ધની લૂંટનો ભાગ વહેંચી આપીશ, કારણ, તેણે પોતાનું જીવન આપી દીધું હતું, અને પોતાની ગણતરી ગુનેગારોમાં થવા દીધી હતી, તેણે અનેકોનાં પાપો પોતાને માથે લઇ લીધાં હતાં અને ગુનેગારોને માટે તેણે પ્રાર્થના કરી હતી.”