wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


અયૂબ પ્રકરણ 30
  • 1 “પરંતુ હવે જે મારા કરતાં ઉંમરમાં નાના છે. તેઓ પણ મારી મશ્કરી ઉડાવે છે. અને તેઓના પિતા એટલા લાયકાત વગરના હતા કે હું તેઓને મારા ઘેટાંઓનું ધ્યાન રાખનાર કૂતરાઓ સાથે પણ રાખીશ નહિ.
  • 2 એ યુવાન માણસોના પિતાઓ મને મદદ કરવા માટે ખૂબ નિર્બળ છે. તેઓ વૃદ્ધ અને થાકેલા છે. તેઓના સ્નાયુઓ હવે મજબૂત અને કઠણ રહ્યાં નથી.
  • 3 ખાવા માટે કંઇ ન હોવાને કારણે તેઓ ભૂખ્યા રહે છે. તેથી તેઓ રણની સૂકી ધૂળ ખાય છે.
  • 4 તેઓ રણમાં ખારી ભાજી ચૂંટી કાઢે છે અને છોડના મૂળીયાં ખાય છે.
  • 5 તેઓના નાગરિક તરીકેના હક પણ છીનવી લેવાયા હતાં. લોકો તેઓની પાછળ દોડતા હતા, જાણે તેઓ ચોર હોય અને પીછો થઇ રહ્યો હોય.
  • 6 તેઓ ખીણમાં, ખડકોમાં, ગુફાઓમાં, અને ખાડાઓમાં પડી રહે છે.
  • 7 તેઓ પશુની જેમ ઝાડીઓમાં બરાડા પાડે છે. તેઓ ઝાડ નીચે સમૂહમાં ભેગા થાય છે.
  • 8 તેઓ દેશમાંથી કાઢી મૂકાયેલા નામ વગરના નિરર્થક લોકોનો એક સમૂહ છે.
  • 9 હવે તે માણસોના પુત્રો અનુપ્રાસવાળી કવિતા ગાઇ મારી મશ્કરી કરે છેે. હું તેઓ મધ્યે મશ્કરી રૂપ બન્યો છું.
  • 10 તેઓ મારા પ્રત્યે ઘૃણા કરે છે અને મારી પાસે આવતા નથી. મારા મોં પર થૂંકતા પણ તેઓ અચકાતા નથી.
  • 11 દેવે મારા ધનુષ્યની દોરી લઇ લીધી છે અને મને દુર્બળ બનાવી દીધો છે.
  • 12 તેઓ મારી જમણી બાજુથી મારા પર હૂમલો કરે છે તેઓ મારા પગે ફટકો મારી પાડી દે છે. કબજે કરેલા નગર જેવું મને લાગે છે. હુમલો કરવા અને મારો નાશ કરવા તેઓએ ગંદા ટેકરા મારી દિવાલ સામે બાંધ્યા છે.
  • 13 તેઓ રસ્તા તોડી નાખે છે જેથી હું ભાગી ન શકું. મારો નાશ કરવામાં તેઓ સફળ થયા છે. તેઓને કોઇની મદદની જરૂર નથી.
  • 14 તેઓ દિવાલમાં એક કાણું પાડે છે. તેઓ તેની આરપાર ધસી જાય છે અને પથ્થરો મારી પર પડે છે.
  • 15 હું ભયથી જુ છું, એ યુવાન માણસો જેમ પવન વસ્તુઓને ફૂંકી નાખે તેમ મારા સ્વમાન પાછળ પડ્યા છે. મારી સુરક્ષા વાદળોની જેમ ચાલી ગઇ છે.
  • 16 હવે મારું જીવન લગભગ લુપ્ત થઇ ગયું છે અને હું મરવાની અણી પર છું. દુ:ખના દિવસોએ મને ઘેરી લીધો છે.
  • 17 રાત્રી દરમ્યાન મારા હાડકાઓને પીડા થાય છે, પીડા મને સતાવવાનું છોડતી નથી.
  • 18 દેવે મારો કાંઠલો પકડ્યો અને મારા વસ્ત્રોને ચોળીને બગાડી નાખ્યા છે.
  • 19 દેવે મને કાદવમાં ફેંકી દીધો છે. હવે હું ધૂળ તથા રાખ જેવો બની ગયો છું.
  • 20 હે દેવ, હું કાલાવાલા કરું છું, પણ તમે મારું સાંભળતા નથી. હું તમારી સમક્ષ આવીને ઊભો છું પણ તમે મારી સામે નજર કરતા નથી.
  • 21 તમે મારા પ્રત્યે નિષ્ઠુર થઇ ગયા છો. તમે તમારી શકિતનો ઉપયોગ મને ઈજા પહોંચાડવામાં કરો છો.
  • 22 દેવ તમે મજબૂત પવનને મને ફૂંકી દેવા દો છો. તમે મને હવાના તોફાનમાં ઊછાળો છો.
  • 23 હું જાણું છું કે તમે મને મોતને ઘાટ ઉતારી રહ્યા છો, જ્યા બધા જીવંત માણસોને મળવાનું છે ત્યાં તમે મને લઇ જાઓ છો.
  • 24 મુશ્કેલીમાં આવી પડેલો માણસ મદદને માટે કાલાવાલા કરે છે અને હાથ લંબાવે છે.
  • 25 શું દુ:ખી માનવીઓ માટે મેં આંસુ સાર્યા નથી? દીનદુ:ખિયાઓ માટે મારું હૃદય શું રડી ઊઠયું નથી?
  • 26 તેમ છતાં મેં જ્યાં સારી વસ્તુની આશા રાખી હતી ત્યાં મને ખરાબ વસ્તુ મળી, જ્યાં મેં પ્રકાશની આશા રાખી હતી ત્યાં મને અંધકાર મળ્યો.
  • 27 મારું અંતર ઉકળે છે. દુ:ખનો અંત આવતો નથી. અને પીડા હજી તો શરૂજ થઇ છે.
  • 28 હું સૂર્યના પ્રકાશ વિના, આખો વખત ઉદાસ અને ઉત્સાહ ભંગ રહું છું. જાહેર સભામાઁ ઊભો રહું છું અને મદદ માટે બૂમો પાડુઁ છું.
  • 29 હવે હું રડતાં શિયાળવા જેવો અને ચીખતાં શાહમૃગો જેવો બની ગયો છું.
  • 30 મારી ચામડી કાળી પડી ગઇ છે, અને ખરી પડી છે. મારું શરીર તાવથી તપી ગયું છે.
  • 31 તેથી મારી વીણામાંથી હવે વેદનાના સૂર નીકળે છે, મારી વાંસળીમાંથી હવે વ્યથાનું સંગીત સંભળાય છે.