wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


નહેમ્યા પ્રકરણ 2
  • 1 વીસમા વર્ષના ચોથા નીસાન મહિનામાં રાજા આર્તાહશાસ્તાના રાજ્યમાં, જ્યારે રાજા ભોજન કરતો હતો ત્યારે દ્રાક્ષારસ લઇને મેં તેને આપ્યો. આ અગાઉ હું ઉદાસ ચહેરે રાજા સમક્ષ ગયો ન હતો.
  • 2 તેથી, રાજાએ મને સવાલ કર્યો, “તું આવો ઉદાસ શા માટે દેખાય છે? તું માંદો તો લાગતો નથી, એટલે જરૂર તારા મનમાં કોઇ ભારે ખેદ હોવો જોઇએ.”આ સાંભળી હું બહુ ગભરાઇ ગયો.
  • 3 છતાં મેં રાજાને જવાબ આપ્યો, “રાજા, ચિરંજીવ રહો; હું કેમ ઉદાસ ના હોઉં? કારણકે જે નગરમાં મારા પિતૃઓને દફનાવવામાં આવ્યાં છે તે ખંડેર થઇ ગયું છે, અને નગરના દરવાજા અગ્નિથી બળીને ભસ્મ થઇ ગયાઁ છે.”
  • 4 રાજાએ મને પૂછયું, “તું મારી પાસેથી શું ઇચ્છે છે?”ત્યારે મેં આકાશના દેવને પ્રાર્થના કરી.
  • 5 અને મેં રાજાને જવાબ આપ્યો, “જો તમે પ્રસન્ન હો અને તમને ઠીક લાગે તો મને યહૂદા જવાની રજા આપો. કારણકે હું તે શહેરને ફરીથી બાંધી શકું જ્યાં મારા પૂર્વજોને દફનાવ્યા હતા.”
  • 6 રાજાની સાથે રાણી પણ હાજર હતી, રાજાએ મને કહ્યું, “ત્યાં તારે કેટલો સમય લાગશે? અને તું ક્યારે પાછો આવશે?”આમ મને જવા માટે રજા મળી ગઇ! મેં તેમની સાથે મારો જવાનો સમય નક્કી કર્યો!
  • 7 ત્યારબાદ મેં રાજાને કહ્યું, “જો આ વાત રાજાને પ્રસન્ન કરે તો મને ફ્રાંત નદીની પશ્ચિમે આવેલા પ્રદેશના સૂબાઓ પર પત્રો આપજો, જેથી તેઓ મને પોતાના પ્રદેશમાંથી પસાર થઇને યહૂદામાં જવા દે.
  • 8 તથા બીજો એક પત્ર રાજાના વનરક્ષક આસાફ પર પણ આપશો જેથી તે મંદિરની નજીકના કિલ્લાનો દરવાજો ફરી બાંધવા માટે, નગરની દીવાલ માટે, અને મારા ઘર માટે, ઇમારતી લાકડું આપે.”મારા પર મારા દેવની કૃપા હોવાથી રાજાએ મારી અરજ માન્ય કરી.
  • 9 પછી હું યુફ્રેતિસ નદીની પશ્ચિમ તરફના પ્રાંતોમાં આવ્યો અને ત્યાંના પ્રશાસકોને મેં રાજાના પત્રો આપ્યા. રાજાએ મારી સાથે સૈન્યના અધિકારીઓ તથા ઘોડેસવારો મોકલ્યા હતા.
  • 10 પરંતુ જ્યારે હોરેનના સાન્બાલ્લાટ અને આમ્મોની અમલદાર ટોબિયાએ આના વિષે જાણ્યું કે કોઇ ઇસ્રાએલીઓનું ભલું કરવા આવ્યું છે ત્યારે તેઓ ખૂબ નારાજ થયા.
  • 11 ત્યારબાદ હું યરૂશાલેમ પહોંચ્યો, અને ત્યાં ત્રણ દિવસ રહ્યો.
  • 12 જ્યારે રાત્રે હું ઉઠયો તો થોડા માણસો લઇને બહાર નીકળ્યો; યહોવાએ યરૂશાલેમ વિષે મારા હૃદયમાં જે યોજના મૂકી હતી તેના વિષે મેં કોઇને કશુંય જણાવ્યું નહોતું, હું જે જાનવર પર સવાર હતો ફકત તે એક જ જાનવર મારી સાથે હતું.
  • 13 રાત્રે હું ખીણનો દરવાજો પસાર કરીને અજગરકુંડ થઇને છેક કચરાના દરવાજા સુધી ગયો; તેમ જતાં રસ્તામાં મેં યરૂશાલેમની દીવાલમાં પડેલા ભંગાણ અને તેના બળી ગયેલા દરવાજાનું નિરક્ષણ કર્યું.
  • 14 પછી ત્યાંથી આગળ ચાલીને કારંજાના દરવાજામાંથી પસાર થઇને રાજાના તળાવ તરફ ગયો. પણ હું જે જાનવર પર સવાર હતો તેને પસાર થવા માટે પૂરતી જગ્યા ન હતી.
  • 15 તેથી હું અંધકારમાં દીવાલનું નિરક્ષણ કરતો ખીણ સુધી ગયો. પછી હું પાછો વળ્યો અને ખીણના દરવાજામાંથી પ્રવેશીને પાછો ફર્યો.
  • 16 અધિકારીઓને હું ક્યાં ગયો હતો અથવા હું શું કરતો હતો તે વિષે કશી જ ખબર પડી નહિ, કારણકે મેં મારી યોજના સંબંધી કોઇને કઇંજ જણાવ્યું ન હતું, યહૂદીઓને, યાજકોને, ઉમરાવોને અધિકારીઓને સુદ્ધાં નહિ. અરે, જેઓ આ કાર્ય કરવાના હતા તેઓમાંથી પણ કોઇનેય નહિ.
  • 17 પછી મેં તેઓને કહ્યું, “આપણે કેવી દુર્દશામાં છીએ તે તમે જુઓ છો, યરૂશાલેમ ખંડેર બનીને પડેલું છે, તેના દરવાજા અગ્નિથી ભસ્મ થયેલા છે; ચાલો, આપણે યરૂશાલેમને ફરતી દીવાલો બાંધીએ, જેથી આપણે વધારે ધિક્કારપાત્ર ન થઇએ.”
  • 18 મે એમને કહ્યું કે મારા દેવનાં હાથે મને આશીર્વાદ આપ્યા અને રાજાએ મને જે કહ્યું હતું તે પણ મેં તેમને કહી સંભળાવ્યું. તેથી તેઓ બોલી ઊઠયા, “ચાલો બાંધવાનું શરૂ કરી દઇએ.” એમ કહીને તેઓએ ઉત્સાહપૂર્વક કામ કરવાનું શરૂ કર્યુ.
  • 19 પરંતુ હોરોનના સાન્બાલ્લાટે, આમ્મોની અધિકારી ટોબિયાએ તથા અરબી ગેશેમે આ સાંભળીને અમારી હાંસી કરી, અને અમારો તિરસ્કાર કરીને કહ્યું, “આ શું છે જે તમે કરી રહ્યાં છો? શું તમે રાજાની સામે બંડ કરવા ઇચ્છો છો?”
  • 20 ત્યારે મેં તેઓને જવાબ આપ્યો કે, “આકાશના દેવ અમને સફળતા આપશે. અમે તેના સેવકો છીએ અને અમે બાંધકામ શરૂ કરવાના છીએ. પરંતુ તમારે અહીં યરૂશાલેમમાં તમારો કોઇં ભાગ નથી, કોઇ દાવો નથી, કે નથી કોઇ અધિકાર!”