wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


નીતિવચનો પ્રકરણ 11
  • 1 ખોટાં ત્રાજવાનો યહોવાને ગુસ્સો છે. પણ સાચાં કાટલાં જોઇ તેને આનંદ થાય છે.
  • 2 અહંકાર આવે એટલે અપમાન આવ્યું જ જાણવું; પણ નમ્રતા જ્યાં હોય ત્યાં જ્ઞાન હોય છે.
  • 3 પ્રામાણિક માણસની વિશ્વસનીયતા તેને દોરેે છે, પણ ધોખેબાજની વક્રતા તેના દુષ્ટ ઇરાદાને છુપાવે છે.
  • 4 જ્યારે દેવ કોપાયમાન થાય ત્યારે સંપત્તિ કામ નહિ આવે, પણ પ્રામાણિકતા વ્યકિતને મોતથી ઉગારે છે.
  • 5 પ્રામાણિક માણસની નીતિમત્તા તેનો માર્ગ સાફ કરે છે, પણ ખરાબ વ્યકિતની દુષ્ટતા જ તેને પાયમાલ કરે છે.
  • 6 માણસો પોતાની ભલાઈથી બચી જશે. પરંતુ કપટ કરનારા તેમની પોતાની ઇચ્છાઓની જ જાળમાં ફસાય છે.
  • 7 દુષ્ટ માણસનું મોત આવતાં તેની અભિલાષાનો અંત આવે છે, તેણે પોતાની સંપત્તિમાં રાખેલી આશાનો પણ અંત આવે છે.
  • 8 સદાચારી લોકો સંકટમાંથી ઊગરી જાય છે અને તેને બદલે દુષ્ટો તેમાં ફસાય છે.
  • 9 દુષ્ટ માણસ પોતાની વાણીથી પડોશીઓનો નાશ નોતરે છે. પરંતુ ન્યાયી તેના જ્ઞાનવડે બીજાઓને ઉગારે છે.
  • 10 ન્યાયી વ્યકિત સફળ થાય છે ત્યારે આખું નગર હરખાય છે; અને દુષ્ટોનો નાશ થાય છે ત્યારે હર્ષના નાદ સંભળાય છે.
  • 11 સદાચારીના આશીર્વાદથી નગરની ઉન્નતિ થાય છે, પણ દુરાચારીની વાણીથી તેનો નાશ થાય છે.
  • 12 જે વ્યકિત પોતાના પડોશી માટે ખરાબ બોલે છે તેનામાં અક્કલ હોતી નથી. પણ સમજુ માણસ મૂંગો રહે છે.
  • 13 કૂથલી ખોર વ્યકિત છૂપી વાત બહાર પાડી દે છે, પણ વિશ્વાસુ વ્યકિત રહસ્ય સાચવે છે.
  • 14 જ્યાં આગેવાન અજ્ઞાન હોય, ત્યાં પ્રજા નાશ પામે છે. અનેક સલાહકારોમાં સુરક્ષા રહેલી છે.
  • 15 અજાણ્યાના જામીન થનારને વેઠવું પડે છે; જે બાયંધરી લેવાનું ટાળે છે તે સુરક્ષિત છે.
  • 16 સુશીલ સ્ત્રી આબરૂને સાચવી રાખે છે; અને જુલમી માણસો દ્રવ્ય સાચવી રાખે છે.
  • 17 દયાળુ માણસ પોતાની જાતનું ભલું કરે છે, પણ ક્રૂર માણસ પોતાના દેહને દુ:ખમાં નાખે છે;
  • 18 દુષ્ટ કમોર્ કરનાર પોતાનો જૂઠાણાનો પગાર મેળવે છે પણ જે નીતિમત્તાનું બીજ વાવે છે તે સાચો હોવા બદલ વળતર મેળવે છે.
  • 19 જે નીતિમત્તાને ‘હા’ પાડે છે તે જીવશે; પણ જે ખરાબ વસ્તુઓનો પીછો કરે છે તે પોતાનું જ મોત આમંત્રે છે.
  • 20 યહોવા માટે કપટી લોકો ઘૃણાસ્પદ છે; પણ જેઓ નીતિમત્તાથી જીવે છે તેઓ તેને આનંદરુપ છે.
  • 21 ખાતરી રાખજો દુષ્ટને સજા થયા વગર નહિ રહે, પણ સદાચારીઓનાં સંતાનો સજામાથી છટકી જશે.
  • 22 અક્કલ વગરની સુંદર સ્ત્રીની સુંદરતા ભૂંડના નાકમાં સોનાની નથણી જેવી છે.
  • 23 ભલા માણસોની ઇચ્છાઓ સારી વસ્તુઓમાં પરિણમે છે, પરંતુ દુષ્ટોની ઇચ્છાઓ ફકત ગુસ્સામાંજ વિરમે છે.
  • 24 કોઇ છૂટે હાથે આપે તોય વધે છે, કોઇ વધુ પડતી કરકસર કરે તોયે કંગાળ થાય છે.
  • 25 જે બીજાને આશીર્વાદ આપે છે તે સમૃદ્ધ થાય છે.
  • 26 અનાજ સંઘરી રાખનારને લોકો શાપ દે છે, પણ વેચનાર ઉપર આશીર્વાદ વરસાવે છે.
  • 27 જેઓ ભલું શોધે છે તેઓ ઇશ્વરની કૃપા મેળવે છે. ખોટું શોધે છે તેનું ખોટું થાય છે.
  • 28 જેઓ પોતાની સંપત્તિ ઉપર વિશ્વાસ કરે છે તેઓ વિનાશને આરે જઇને પડે છે, પણ સદાચારી તંદુરસ્ત છોડની જેમ ફૂલેફાલે છે.
  • 29 જે પોતાના જ કુટુંબને દુ:ખી કરે છે, તે કંઇ નહિ મેળવે. અને મૂર્ખ માણસ જ્ઞાનીનો દાસ બનશે.
  • 30 ન્યાયી માણસ જે કરે તે જીવનનાં ઝાડ સમાન છે. પણ શાણો માણસ બીજા આત્માઓને બચાવે છે.
  • 31 નીતિમાંન લોકોને ભલાઇનો બદલો મળતો હોય તો દુષ્ટો અને પાપીને તો બદલો મળે જ મળે.