- 1 દુર્જનોની ઇર્ષ્યા કરીશ નહિ કે તેમની સાથે રહેવાની ઇચ્છા સેવીશ નહિ.
- 2 કારણ, તેમનાં મન હિંસાના વિચારો કરે છે અને તેમના મોઢેથી ઉપદ્રવની વાણી નીકળે છે.
- 3 જ્ઞાન વડે ઘર બંધાય છે; બુદ્ધિથી તે સ્થિર થાય છે.
- 4 અને વિદ્યા વડે તેના ઓરડા બધી જ જાતની મૂલ્યવાન અને સુખદાયક વસ્તુઓથી ભરાય છે.
- 5 શરીરબળ કરતાં બુદ્ધિબળ સારું, જ્ઞાની વ્યકિત શકિતશાળી વ્યકિત કરતાં વધારે મહાન છે.
- 6 કુશળ યોજનાથી યુદ્ધ જીતાય છે, અને અનેક સલાહકારોથી વિજય નિશ્ચિત બને છે.
- 7 ડહાપણ મૂરખના ગજા બહારની વસ્તુ છે, તેથી તે જાહેર સભામાં પોતાનું મોં ખોલી શકતો નથી.
- 8 જે ભૂંડુ કરવા માટે યુકિતઓ રચે છે, તે લોકોમાં ઉપદ્રવી માણસ તરીકે ઓળખાય છે.
- 9 મૂર્ખ પાપ ભરેલી યોજનાઓ ઘડ્યા કરે છે, લોકો જે વ્યકિત બડાઇ હાંકે છે તેને ધિક્કારે છે.
- 10 જો તમે સંકટ આવતાં તમારી હિંમત હારી બેસશો તો તમે નબળા છો.
- 11 જેઓને મોત માટે ઘસડી જવામાં આવતા હોય તેમને છોડાવ, જેઓ લથડતે પગે હત્યા માટે જઇ રહ્યા હોય તેમને ઉગારી લે.
- 12 જો તું કહે કે, “અમે તો એ જાણતા નહોતા,” તો જે અંત:કરણોની ચકાસણી કરે છે તે શું જાણતો નહોત? અને જે તારા જીવનનો રક્ષક છે તે શું જાણતો ન હોત? અને તે પ્રત્યેક વ્યકિતને તેમનાં કર્મ પ્રમાણે પાછું નહિ આપશે?
- 13 મારા દીકરા, મધ ખા; તે ગુણકારી છે, એનો સ્વાદ મીઠો છે.
- 14 જાણો કે જ્ઞાન તમારા જીવન માટે સારૂં છે; જો તું તેને પ્રાપ્ત કરે તો તારું ભાવિ ઉજ્જવળ છે, તારી આશા વ્યર્થ નહિ જાય.
- 15 હે દુષ્ટ માણસ, સજ્જનનાં ઘર આગળ લાગ જોઇ બેસી રહીશ નહિ, તેના ઘર પર આક્રમણ કરીશ નહિ.
- 16 કારણકે, સજ્જન સાત વાર પડશે તોયે પાછો ઊભો થશે, પણ દુર્જન વિપત્તિ આવતાં ભાંગી પડે છે, પાયમાલ થઇ જાય છે.
- 17 તારા દુશ્મનની પડતી જોઇને હરખાઇશ નહિ, અને તે પાયમાલ થાય ત્યારે રાજી ન થઇશ;
- 18 નહિ તો યહોવા એ જોશે અને નારાજ થશે, અને તેના ઉપરથી પોતાનો રોષ પાછો ખેંચી લેશે.
- 19 જેઓ દુષ્કમોર્ કરે છે તેની ઉપર ગુસ્સે થતો નહિ કે દુર્જનની ઇર્ષ્યા કરતો નહિ.
- 20 કારણકે, દુર્જનને કોઇ ભાવિ નથી, તેનો દીવો હોલવાઇ જશે,
- 21 મારા દીકરા, યહોવાથી અને રાજાથી ડરીને ચાલજે, બળવાખોરો સાથે કશો સંબંધ રાખીશ નહિ;
- 22 કારણ, તેમના પર અચાનક આફત આવી પડશે, અને કોને ખબર છે કે બંને કેવી પાયમાલી મોકલશે?
- 23 આ જ્ઞાનીઓના વચન છે, ન્યાયમાં પક્ષપાત બતાવવો તે યોગ્ય નથી.
- 24 ગુનેગારને નિદોર્ષ ઠરાવનારને બધા લોકો શાપ દેશે, પ્રજાઓ તેને ઠપકો આપશે.
- 25 પણ જેઓ દોષીને ઠપકો આપશે તેમનું ભલું થશે. તેમના પર આશીર્વાદ ઊતરશે.
- 26 સાચો જવાબ મૈત્રીભર્યા ચુંબન જેવો છે.
- 27 તારું બહારનું કામ કર, જમીન ખેડ, અને તારું ઘર બાંધ.
- 28 કારણ વગર તારા પડોશી વિરૂદ્ધ સાક્ષી પૂરીશ નહિ, તારે મોઢે તેની વિરૂદ્ધ ખોટું બોલીશ નહિ.
- 29 એવું ના કહીશ કે, “એણે મારી સાથે વર્તાવ રાખ્યો છે તેવો જ હું એની સાથે રાખીશ, એણે જે કર્યુ છે તેને હું પાછું વાળી દઇશ.
- 30 હું આળસુ વ્યકિતના ખેતરમાંથી જઇને તથા મૂઢ માણસની દ્રાક્ષાવાડી પાસેથી પસાર થતો હતો.
- 31 ત્યારે મેં જોયું તો બધે ઝાંખરા ઊગી નીકળ્યાં હતાં. જમીન કાંટાથી છવાઇ ગઇ હતી. અને પથ્થરની વાડ તૂટી પડી હતી.
- 32 એ જોઇને મેં વિચાર કર્યો, એ ઉપરથી હું શીખ્યો કે,
- 33 થોડું ઊંઘો, થોડું ઘોરો, હાથ જોડીને થોડો આરામ કરો.
- 34 એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ તથા હથિયારધારી યોદ્ધાની જેમ કંગાલાવસ્થા આવી પહોંચશે.
Proverbs 24
- Details
- Parent Category: Old Testament
- Category: Proverbs
નીતિવચનો પ્રકરણ 24