- 1 જેમ ઉનાળામાં હિમ, અને કાપણી કરતી વખતે વરસાદ કમોસમનો ગણાય તેમ મૂરખને સન્માન શોભતું નથી.
- 2 જેમ ભટકતી ચકલી, અને જેમ ઊડતું અબાબીલ પક્ષી છે. તેમ વિનાકારણે આપેલો શાપ કોઇને માથે ઊતરતો નથી.
- 3 ઘોડાને માટે ચાબૂક, અને ગધેડાને માટે લગામ હોય છે, તેમ મૂખોર્ની પીઠને માટે દંડો છે.
- 4 મૂર્ખને તેની મૂર્ખાઇ પ્રમાણે જવાબ ન આપવો, રખેને તું પણ તેના જેવો થઇ જાય.
- 5 મૂર્ખને તેની મૂર્ખતા પ્રમાણે જ ઉત્તર આપ. જેથી તે જાણી શકે કે તે પોતાને માને છે તેટલો બુદ્ધિશાળી નથી.
- 6 તે વ્યકિત પોતાનો પગ કાપી નાખે છે તે પોતાની જાત સાથે હિંસા કરે છે. તેવીજ રીતે જે કોઇ મૂર્ખ મારફત સંદેશો મોકલાવે છે.
- 7 મુશ્કેલીઓ માગવા બરાબર છે. મૂર્ખના મોઢામાં શાણી વાત એ લંગડાના પગ જેવું નકામું છે.
- 8 જે વ્યકિત મૂર્ખને માન આપે છે, તે વ્યકિત ગોફણનો પથ્થર બાંધે.
- 9 જેમ પીધેલાના હાથમાં કાંટાની ડાળી હોય છે તેવી જ રીતે મૂર્ખના મોઢામાં સારી વાત.
- 10 મૂર્ખને કે એક દારૂડિયાને કામે રાખનાર કોઇને પણ વીંધનાર બાણાવાળીની જેમ સૌને નુકસાન કરે છે.
- 11 જેમ કૂતરો ઓકેલું ખાવાને માટે પાછો આવે છે, તેમ મૂર્ખ કરેલી ભૂલ ફરી ફરીને કરે છે.
- 12 પોતે પોતાને જ્ઞાની સમજનાર માણસ કરતાં મૂર્ખ સારો, એને સુધરવાની વધારે આશા છે.
- 13 આળસુ બહાના કાઢે છે, “રસ્તામાં સિંહ છે, ગલીઓમાં સિંહ છે.”
- 14 જેમ બારણું તેનાઁ મિજાગરાઁ પર ફરે છે, તેમ આળસુ પથારીમાં ફર્યા કરે છે.
- 15 આળસુ પોતાનો હાથ થાળીમાં નાખે છે ખરો; પણ તેને પાછો પોતાના મોં સુધી લાવતાં થાક લાગે છે.
- 16 હોંશિયારીથી ઉત્તર આપી શકે તેવા સાત માણસો કરતાં આળસુ પોતાની નજરે પોતાને વધારે ડાહ્યો ગણે છે.
- 17 જે વ્યકિત, તેનો પોતાનો ન હોય તેવા કજિયામાં દખલ કરે છે, તે કૂતરાના કાન પકડનારના જેવો છે.
- 18 જેઓ ખોયણાં, તીર તથા પ્રાણઘાતક વસ્તુઓ ફેંકે છે તે ઘેલો માણસ છે.
- 19 તેવી જ વ્યકિત પોતાના પડોશીને છેતરીને, ‘એ તો હું ગમત કરતો હતો.’ એમ કહેનાર છે.
- 20 બળતણ ન હોવાથી અગ્નિ હોલવાઇ જાય છે; અને કુથલી ખોર ન હોય ત્યાં કજિયા સમી જાય છે.
- 21 જેમ અંગારા કોલસાને, અને અગ્નિ લાકડાઁને સળગાવે છે; તેમ કંકાસખોર માણસ કજિયા સળગાવે છે.
- 22 નિંદા કરનાર વ્યકિતના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા લાગે છે; તે શરીરના અંતરતમ ભાગમા ઊતરી જાય છે.
- 23 કુટિલ હૃદય અને મીઠી વાણી એ અશુદ્ધ ચાંદીનો ઢોળ ચઢાવેલાં માટીના વાસણ જેવો છે.
- 24 ધિક્કારવા લાયક માણસ મનમાં દગો રાખે છે. પણ પોતાની વાણીથી તેને છુપાવે છે.
- 25 જ્યારે તે મીઠી મીઠી વાતો કરે ત્યારે વિશ્વાસ ન કરવો, કારણ, તેના હૃદયમાં ઘણી દુષ્ટ યોજનાઓ હોય છે.
- 26 વ્યકિત દંભથી તિરસ્કારને છુપાવે છે, પણ તેની દુષ્ટતા જાહેર સભા સામે ઉઘાડી પડી જશે.
- 27 જે ખાડો ખોદે તે પડે, ને જો કોઇ વ્યકિત પથ્થર ગબડાવે તો તે પથ્થર ગબડીને તેના પર જ પાછો આવીને પડે.
- 28 જૂઠી જીભે પોતે જેઓને ઘાયલ કર્યા છે, તેમનો તે દ્વેષ કરે છે; અને ખુશામત કરનાર વ્યકિતને લોકો નકારે છે.
Proverbs 26
- Details
- Parent Category: Old Testament
- Category: Proverbs
નીતિવચનો પ્રકરણ 26