wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


2 કાળવ્રત્તાંત પ્રકરણ 30
  • 1 એ પછી હિઝિક્યાએ સમગ્ર ઇસ્રાએલના અને યહૂદાના લોકોને સંદેશો મોકલ્યો અને એફ્રાઇમ અને મનાશ્શાના લોકોને પત્રો લખ્યા અને તેમને ઇસ્રાએલના દેવ યહોવાના માનમાં પાસ્ખાનું પર્વ ઉજવવા યરૂશાલેમમાં યહોવાના મંદિરમાં આવવા જણાવ્યું.
  • 2 રાજા, તેના અધિકારીઓ અને યરૂશાલેમના લોકોએ નિર્ણય કર્યો કે વર્ષના બીજા મહિનામાં, પાસ્ખાપર્વ ઉજવવો.
  • 3 પરંતુ પૂરતી સંખ્યામાં યાજકો પવિત્ર થયા ન હતા, અને યરૂશાલેમમાં ઘણા લોકો નહોતા, તેથી તેઓ પ્રથમ મહિનામાં સમયસર પાસ્ખા પર્વ ઉજવી ન શક્યા.
  • 4 આ કરાર રાજાને તેમજ સમગ્ર સભાને સ્વીકાર્ય હતો.
  • 5 આથી એવું નક્કી કરવામાં આવ્યું કે દાનથી તે બેર-શેબા સુધી સમગ્ર ઇસ્રાએલમાં એવો ઢંઢેરો કરાવવો કે, બધા લોકોએ ઇસ્રાએલના દેવ યહોવાના માનમાં પાસ્ખાનું પર્વ ઉજવવા માટે યરૂશાલેમ આવવું, કારણ, બહુ ઓછા માણસોએ નિયમશાસ્ત્રમાં લખેલી સૂચનાઓ મુજબ ઉજવ્યું હતું.
  • 6 રાજાના અને તેના અમલદારોના પત્રો લઇને કાસદો સમગ્ર ઇસ્રાએલમાં અને યહૂદામાં પહોંચી ગયા. રાજાની આજ્ઞા પ્રમાણે કહ્યું કે,હે ઇસ્રાએલ પુત્રો, તમો ઇબ્રાહિમ, ઇસહાક અને ઇસ્રાએલના દેવ યહોવા પ્રત્યે પાછા વળો, જેથી આશ્શૂરના રાજાઓના પંજામાંથી તમારામાંના જે બચી ગયા છે, તેમના પ્રત્યે યહોવા પાછો વળે.
  • 7 તમારા પૂર્વજોએ- વડીલો અને દેશબંધુઓ જેવા થશો નહિ; એમણે તો પોતાના પિતૃઓના દેવ યહોવાનો દ્રોહ કર્યો હતો અને યહોવાએ તેમને વિનાશના મોંમા સોંપી દીધા હતા તે તમે જોયું છે;
  • 8 હવે તમે અમારા પિતૃઓના જેવા હઠીલા થશો નહિ. યહોવાને તાબે થાઓ. સદાને માટે એણે જેને પવિત્ર કર્યું છે તે પરમપવિત્રસ્થાનમાં આવો, તમારા દેવ યહોવાની સેવા કરો, જેથી તેનો રોષ તમારા ઉપરથી ઊતરી જાય.
  • 9 જો તમે સાચા દિલથી યહોવા તરફ પાછા વળશો તો, તમારા દેશબંધુઓ અને તમારા પુત્રો ઉપર તેમને બાન પકડનારાઓ દયા કરશે અને તેઓ પાછા આ ભૂમિમાં આવી શકશે, કારણ, તમારો દેવ યહોવા કૃપાળુ અને દયાળુ છે. તમે જો તેના તરફ પાછા વળશો તો, એ તમારાથી વિમુખ નહિ રહે.”
  • 10 સંદેશવાહકો એફ્રાઇમ અને મનાશ્શા અને ઠેઠ ઝબુલોન સુધી ગામેગામ ફરી વળ્યા, પણ લોકોએ તેમની હાંસી ઉડાવી અને હસી કાઢયા.
  • 11 જો કે આશેર મનાશ્શા અને ઝબુલોનમાં થોડા માણસો સમજી ગયા અને તેઓ યરૂશાલેમમાં આવ્યા.
  • 12 પણ દેવે યહૂદાના લોકોને એવી પ્રેરણા કરી કે રાજાએ અને તેના અમલદારોએ યહોવાની આજ્ઞાથી જે ફરમાવ્યું હતું તે એક મતે તેમણે માથે ચઢાવ્યું.
  • 13 બેખમીર રોટલીનું પર્વ મે માસમાં કરવા માટે મોટો લોકસમુદાય યરૂશાલેમમાં એકત્ર થયો.
  • 14 તેઓએ યરૂશાલેમમાં આવેલી અન્ય દેવોની વેદીઓનો નાશ કર્યો, સર્વ ધૂપવેદીઓ તોડી નાખી અને તેઓને કિદ્રોન નાળામાં નાખી દીધી.
  • 15 લોકોએ બીજા મહિનાના ચૌદમાં દિવસે પાસ્ખાનાં હલવાન વધ કર્યા. યાજકો અને લેવીઓ શરમીંદા થઇ ગયા હતા અને તેઓએ પોતાને પવિત્ર કર્યા અને યહોવાનાં મંદિરમાં દહનાર્પણો કર્યા.
  • 16 પછી તેઓ, મૂસાના નિયમ મુજબ પોતાના દરજ્જા પ્રમાણે પોતપોતાની જગ્યાએ ઊભા રહ્યા; યાજકોએ લેવીઓ પાસેથી રકત લઇને વેદી પર છાંટયું.
  • 17 જે લોકો ભેગા થયા હતા તેઓમાંના ઘણાએ વિધિપૂર્વક દેહશુદ્ધિ કરી નહોતી, એટલે એ લોકો રિવાજ પ્રમાણે પાસ્ખાના હલવાન ચઢાવી શકે એમ નહોતા. આથી તેમના વતી યહોવા માટે હલવાનો પવિત્ર કરીને, પાસ્ખાના બલિ ચઢાવવાનું કામ લેવીઓને સોંપવામાં આવ્યું.
  • 18 ખરું જોતાં, એફ્રાઇમ, મનાશ્શા, ઇસ્સાખાર અને ઝબુલોનના ઘણંાખરાં માણસોએ દેહશુદ્ધિ કરી નહોતી, છતાં તેમણે વિધિપૂર્વક નિયમો પાળ્યા વગર જ પાસ્ખાનું ભોજન લીધું હતું. પણ હિઝિક્યાએ તેમને માટે પ્રાર્થના કરી કે,
  • 19 “કૃપાળુ યહોવા જે કોઇ પોતાના પિતૃઓના દેવ યહોવાની અંત:કરણથી ઉપાસના કરે છે તેના દોષ માફ કરો- પછી ભલે તેણે વિધિપૂર્વક દેહશુદ્ધિ ન કરી હોય.”
  • 20 યહોવાએ હિઝિક્યાની પ્રાર્થના સાંભળી અને લોકોને કશી ઇજા ન કરી.
  • 21 આ રીતે ઇસ્રાએલી લોકોએ યરૂશાલેમમાં સાત દિવસ સુધી બહુ આનંદ સાથે બેખમીર રોટલીના પાસ્ખાપર્વની ઉજવણી કરી. તે દરમ્યાન લેવીઓ અને યાજકો દરરોજ ગીતો અને વાજિંત્રો સાથે યહોવાની સ્તુતિ કરતા હતા.
  • 22 હિઝિક્યા રાજાએ લેવીઓને દેવળમાં ઉત્તમ સેવા આપવા બદલ અત્યંત પ્રશંસા કરી. આમ સાત દિવસ સુધી ઉજવણી ચાલુ રાખી, અને શાંત્યર્પણોના બલિદાન અર્પવામાં આવ્યાં અને લોકોએ તેઓના પિતૃઓના દેવ યહોવાનો આભાર માન્યો અને તેમની સ્તુતિ કરી.
  • 23 ત્યારબાદ સમગ્ર સંઘ બીજા સાત દિવસ સુધી ઉત્સવ ઉજવવા માટે સંમત થયો. અને તેમણે બીજા સાત દિવસ સુધી આનંદોત્સવ કર્યો.
  • 24 કારણકે, યહૂદાના રાજા હિઝિક્યાએ સંઘ તરફથી ધરાવવા માટે 1,000 બળદો અને 7,000 ઘેંટા પૂરા પાડ્યા હતા, અને તેના અમલદારોએ એ ઉપરાંત બીજા 1,000 બળદો અને 10,000 ઘેંટા આપ્યા હતા અને યાજકોએ મોટી સંખ્યામાં દેહશુદ્ધિ કરી હતી.
  • 25 એ યાજકો અને લેવીઓ સહિત યહૂદાના સમગ્ર સંઘે તેમજ ઇસ્રાએલથી આવેલા સમગ્ર સંઘે તથા જે વિદેશીઓ ઇસ્રાએલથી આવ્યા હતા તેમજ જેઓ યહૂદામાં વસતાં હતા એ બધાએ આનંદોત્સવ માણ્યો.
  • 26 યરૂશાલેમમાં પણ ભવ્ય આનંદ ઉત્સવ ઉજવાયો. જે ઇસ્રાએલના રાજા સુલેમાનના સમય પછી કદી થયો જાણ્યો નથી.
  • 27 ત્યારબાદ યાજકો અને લેવીઓએ ઊભા થઇ આશીર્વાદ આપ્યા, તેમનો અવાજ દેવના પવિત્ર નિવાસમાં-સ્વર્ગમાં પહોંચ્યો અને દેવે તેમની પ્રાર્થના સ્વીકારી.