wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


યર્મિયાનો વિલાપપ્રકરણ 24
  • 1 યહોયાકીન રાજાને બંદીવાન થયાને નવમા વર્ષના દશમા માસના દશમા દિવસે મને યહોવાની આ પ્રમાણે વાણી સંભળાઇ.
  • 2 તેમણે કહ્યું; “હે મનુષ્યના પુત્ર, આજની તારીખ નોંધી રાખ, કારણ, ‘આજે બાબિલના રાજાએ યરૂશાલેમને ઘેરો ઘાલ્યો છે.’
  • 3 એ બંડખોર ઇસ્રાએલી પ્રજાને તું આ દ્રષ્ટાંત કહી સંભળાવ. તેને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે:“‘કઢાઇને અગ્નિએ ચઢાવો, ચૂલે ચઢાવો તેમાં પાણી રેડો,
  • 4 એમાં માંસના કટકા નાખો, પસંદ કરેલા સારામાં સારા ખભા અને પગનાં માંસના ટુકડા નાખો.
  • 5 ઉત્તમમાં ઉત્તમ ઘેટું લો, ઉત્તમમાં ઉત્તમ હાડકાં પણ નાખો, નીચે લાકડાં ગોઠવો, ખૂબ ઉકાળો, હાડકાં પણ બફાઇ જાય ત્યાં સુધી બફાવા દો.’
  • 6 યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે: ‘એ ખૂનીઓની નગરી, તારી પર આફત આવશે! તું કટાઇ ગયેલી કઢાઇ જેવી છે, જેનો કાટ કદી ઊખડે એમ નથી. તું દુષ્ટતાથી ભરેલી છે. તેથી એક પછી એક ટુકડા લઇ લેવામાં આવે છે. પણ કોઇ તે ખાવાના નથી.
  • 7 તેણે ખૂબ હિંમતપૂર્વક ખૂન કર્યા છે. બધાં જોઇ શકે છે કે મારી નંખાયેલનું રકત ખડકો પર એમનું એમ જ છે. જે બધા જોઇ શકે છે. જો એ લોહી જમીન પર રેડાયું હોત તો રેતી તેને ઢાંકી દેત;
  • 8 ખડક પર એ રકત ખુલ્લું છે. જેથી તે મારી આગળ તેની વિરુદ્ધ હાંક મારે છે જેથી મારો કોપ સળગે અને હું બદલો લઉં.’
  • 9 તેથી યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે: ‘હે યરૂશાલેમ, ખૂનીઓની નગરી, તારી પર આફત આવશે! હું પણ લાકડાનો મોટો ઢગલો કરીશ.
  • 10 પુષ્કળ લાકડા લાવો, આગ પેટાવો! માંસ ઓગળી જાય ત્યાં સુધી તેને ઉકાળો. મસાલાઓને તેમાં ઉમેરો ! હાડકાં બળી જાય ત્યાં સુધી તેને ઉકાળો.
  • 11 પછી ખાલી કઢાઇને અંગારા ઉપર મૂકી તેનો બગાડ અને કચરો બળી જાય ત્યાં સુધી તેને તપાવો.
  • 12 પણ કાટ એટલો બધો છે કે જવાળાઓથી પણ નહિ જાય.
  • 13 હે યરૂશાલેમ, તારા વ્યભિચારની અશુદ્ધિ દૂર કરવા મેં પ્રયત્ન કર્યો હતો પણ તું ચોખ્ખી ન થઇ. એટલે તારા પર હું મારો પૂરો રોષ ઉતારી નહિ રહું ત્યાં સુધી તું ફરી ચોખ્ખી થનાર નથી.
  • 14 “‘આ મેં યહોવાએ કહ્યું છે અને તે, એ પ્રમાણે બનશે જ. હું એ પ્રમાણે જ કરીશ. જરા પણ પીછેહઠ કરીશ નહિ. દયા નહિ ખાઉં, ને હું મારો નિર્ણય પણ બદલીશ નહિ. તને તારી વર્તણૂંક માટે અને તારા દુષ્કૃત્યો માટે સજા થશે જ.’ આ યહોવા મારા માલિકના વચન છે.”
  • 15 ફરીથી મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ:
  • 16 “હે મનુષ્યના પુત્ર, હું એક ઝપાટે તારી પ્રિયતમાને દૂર કરવાનો છું. પણ તારે રડવાનું નથી, કે શોક કરવાનો નથી કે આંસુ સારવાના નથી.
  • 17 તારા ડૂસકાં સંભળાવા જોઇએ નહિ, તારા ઉત્તમ સાફા અને ઉત્તમ પગરખા તું પહેરજે, તારા હોઠને તું ઢાકતો નહિ કે તું શોકની રોટલી ખાતો નહિ કે શોકના રીતરિવાજો પાળતો નહિ.”
  • 18 સવારમાં તો હું લોકોને પ્રબોધ કરતો હતો અને તે જ સાંજે મારી પત્ની મૃત્યુ પામી. બીજે દિવસે મને કહેવામાં આવ્યું હતું તે પ્રમાણે મેં કર્યું.
  • 19 મને લોકોએ પૂછયું, “તમે આમ શા માટે કરો છો? આ બધાનો શું અર્થ છે?”
  • 20 ત્યારે મેં તેમને કહ્યું, “મને યહોવાની વાણી સંભળાઇ છે.
  • 21 તમને ઇસ્રાએલીઓને યહોવા મારા માલિક કહે છે કે, ‘જે પવિત્રસ્થાન માટે તમે ગર્વ લો છો, અને જેને માટે તમારું અંતર તલસે છે તેનો હું પોતે જ ધ્વંસક છું. તમારાં જે પુત્રપુત્રીઓને તમે પાછળ છોડી આવ્યા છો તેઓ તરવારનો ભોગ બનશે.
  • 22 ત્યારે તમારે મેં કહ્યું છે તે પ્રમાણે કરવાનું છે. તમારા હોઠને ઢાંકશો નહિ કે શોકની રોટલી ખાશો નહિ કે શોકના રીતરિવાજો પાળશો નહિ.
  • 23 તમારે માથે ઉત્તમ સાફો અને ઉત્તમ પગરખા પહેરી લો, રડશો નહિ કે પશ્ચાતાપ કરશો નહિ, તમારાં પાપે તમે એકબીજા સામે રોદણાં રડતાં રિબાઇ રિબાઇને મરશો.
  • 24 યહોવા કહે છે, હઝકિયેલ તમારે માટે દ્રષ્ટાંત રૂપ છે. મેં જેમ કહ્યું છે તેમ જ તમારે કરવાનું છે અને આ બનશે ત્યારે તમને ખબર પડશે કે એ યહોવા મારા માલિક છે.”‘
  • 25 યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, જે દિવસે હું યરૂશાલેમમાંથી તેઓનાં હૃદયનો આનંદ તેઓનો મહિમા અને તેઓની પત્નીઓ અને તેઓના પુત્ર-પુત્રીઓ લઇ લઇશ.
  • 26 જે દિવસે હું આ કરીશ, તે જ દિવસે એ વિનાશમાંથી ઊગરી ગયેલું કોઇ આવીને તને એ સમાચાર આપશે.
  • 27 તે જ દિવસે તને તારી વાચા પાછી મળશે અને તું એની સાથે વાત કરીશ. આમ તું તેમને દ્રષ્ટાંતરૂપ થઇ પડીશ અને તેઓને ખાતરી થશે કે હું યહોવા છું.”