wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


અયૂબ પ્રકરણ 19
  • 1 ત્યારબાદ અયૂબે જવાબ આપ્યો:
  • 2 “તમે ક્યાં સુધી મને આવો ત્રાસ આપ્યા કરશો? અને મહેણાં મારીને મને કચડ્યા કરશો?
  • 3 તમે પહેલેથીજ મને દસ વખત મહેણાં માર્યાં છે. જયારે તમે મારા પર હુમલો કરો છો, તમને શરમ આવતી નથી!
  • 4 જો મેં પાપ કર્યુ પણ હોય, તો તે મારી સમસ્યા છે. તે તમને દુ:ખ નહિ પહોંચાડે.
  • 5 તમારે ફકત તમારી જાતને મારી કરતા સારી દેખાડવી છે. તમે કહો છો કે મારી સમસ્યા એ મારો દોષ છે.
  • 6 આટલું સમજી લો દેવે મને વિના વાંકે દંડ્યો છે અને મને ફાંસલામાં પકડી લીધો છે તે સાચું છે.
  • 7 જો હું એમ બૂમો પાડું, “મારી મદદ કરો, મારા ઉપર હુમલો થયો છે.” તો કોઇ મારી મદદે આવતું નથી. જો હું પોકાર કરું તોય મને ન્યાય મળતો નથી.
  • 8 દેવે મારો માર્ગ બંધ કરી દીધો છે.તેણે મારા રસ્તાઓને અંધકારથી ઢાંકી દીધા છે.
  • 9 એમણે મને બેઆબરુ કર્યો છે અને અપમાનિત પણ કર્યો છે. મારા માથા પરનો મુગટ ઉતારી નાંખ્યો છે.
  • 10 જ્યાં સુધી મારો વિનાશ ન થાય ત્યાં સુધી ચારે બાજુથી તે મારા પર પ્રહાર કરે છે. મારી આશાઓ ઝાડની જેમ મૂળમાંથી ઉખેડાઇ ગઇ છે.
  • 11 તદુપરાંત તેમણે પોતાનો બધો રોષ મારી વિરુદ્ધ પ્રગટ કર્યો છે, તેઓ મને પોતાનો શત્રુ જેવો ગણે છે.
  • 12 તેણે તેનું આખું સૈન્ય મારી સામે મૂકી દીધું છે, મારી આજુબાજુ હુમલો કરવા માટે ઊંચી મજબૂત ઇમારતો બાંધી છે. અને મારા ઘરની આસપાસ છાવણીઓ નાખી છે.
  • 13 તેમણે મને મારા ભાઇઓ અને સાથીઓથી વિખૂટો પાડ્યો છે. હું બધાય સ્વજનોમાં અજાણ્યા જેવો લાગું છું.
  • 14 સગાંવહાંલાઓએ મને તજી દીધો છે. મારા મિત્રો પણ મને ભૂલી ગયા છે.
  • 15 મારા ઘરમાં જે મુલાકાતીઓ રહે છે તે તથા મારા નોકરો પણ મને પારકા જેવો ગણે છે. તેઓને હું વિદેશી જેવો લાગુ છું.
  • 16 મારા નોકરને હું બોલાવું છું અને તે આવતો નથી. જો હું મદદ માટે આજીજી કરું તો પણ તે જવાબ આપતો નથી.
  • 17 મારી પત્ની મારા શ્વાસનેજ ધિક્કારે છે, અને મારા સગા ભાઇઓ પણ મારો તિરસ્કાર કરે છે.
  • 18 નાનાં બાળકો પણ મારો તિરસ્કાર કરે છે; અને જ્યારે હું ઊઠું છું ત્યારે તેઓ મને ખરાબ શબ્દો કહે છે.
  • 19 મારા ગાઢ મિત્રો મારો તિરસ્કાર કરે છે. મારા સૌ પ્રિયજનો મારી વિરૂદ્ધ થઇ ગયાં છે.
  • 20 હું ખૂબ પાતળો છું, મારાં હાડકાંમાંથી મારી ચામડી ઢીલાશથી લટકે છે. મારામાં થોડોકજ જીવ બાકી રહ્યો છે.
  • 21 હે મારા મિત્રો, મારા પર દયા કરો, કારણકે દેવ મારી વિરૂદ્ધ થઇ ગયા છે.
  • 22 શા માટે દેવની જેમ તમે પણ મારી પાછળ પડ્યાં છો? મેં વેઠેલા દુ:ખોથી પણ તમને સંતોષ નથી થતો શું?
  • 23 હું ઇચ્છું છું, કોઇ હું શું બોલું છું તે યાદ રાખે અને તે એક ચોપડીમાં લખે. હું ઇચ્છું છું મારા શબ્દો ટીપણી પર લખાય.
  • 24 હું ઇચ્છું છું કે, હું જે કહું છું તે લોખંડની કલમથી સીસાથી ખડક પર કોતરવામાં આવે તો તે સદાય રહેશે.
  • 25 હું જાણું છું કે મારો ઉધ્ધાર કરનાર કોઇ છે. હું જાણુ છું તે જીવે છે. અને આખરે તે અહીં પૃથ્વી પર ઊભો રહેશે અને મારો બચાવ કરશે.
  • 26 મારી ચામડી ઉતરડાઇ જશે અને મારો દેહ પડી જશે પછી પણ હું મારા દેવને મળીશ.
  • 27 હા, હું તેમને મારી પોતાની આંખો વડે જોઇશ.બીજું કોઇ નહિ હું પોતેજ દેવને જોઇશ અને તે મને મનમાં કેટલો ક્ષુબ્ધ અનુભવ કરાવે છે તે હું તમને કહી શકતો નથી.
  • 28 તમે કદાચ કહો, “અમે અયૂબને હેરાન કરીશું. અને તેનો વાંક કાઢવા કઇક કારણ શોધીશું.”
  • 29 તરવારથી તમારે ડરવું જોઇએ; કારણકે દેવ ગુનેગાર ને સજા આપે છે. તમને સજા આપવા દેવ તરવારનો ઊપયોગ કરશે. ત્યારે તમને ખબર પડશે કે ન્યાય કરનાર એક છે.”