- 1 હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે, તેમ હે યહોવા, હું તમારા માટે તલપું છું.
- 2 મારો આત્મા જીવતા દેવ માટે તરસે છે. હું મારી જાતને એમની સમક્ષ ક્યારે હાજર કરી શકીશ?
- 3 મારા આંસુ રાત દિવસ મારો ભોજન થયા છે. શત્રુ મહેણા મારે છે, “તારા દેવ ક્યાં છે?”
- 4 હે મારા આત્મા, તે સમય કયાંથી વીસરી શકાય? ઉત્સવના દિવસોમાં હું મોટા લોકસમુદાયમાંથી પસાર થયો, જેઓ આનંદથી યહોવાના સ્તુતિગીતો ગાતા હતાં અને હું સૌને એક સાથે દેવના મંદિરમાં દોરી જતો હતો. એનું સ્મરણ કરતાં, મારું હૃદય ભાંગી જાય છે.
- 5 હે મારા આત્મા, તું ઉદાસ કેમ થયો છે? તું આટલો અસ્વસ્થ અને વ્યાકુળ કેમ થયો છે? દેવની મદદ માટે રાહ જો! તેમની કૃપા અને મદદ માટે હું હજી પણ તેમની પ્રાર્થના કરીશ.
- 6 હે મારા દેવ, મારો આત્મા નિરાશ થયો છે. તેથી હું તમારી કૃપાનું મિઝાર પર્વત પરથી જયાં હેમોર્ન પર્વત અને યર્દન નદી મળે છે ત્યાંથી હું સ્મરણ કરું છું.
- 7 ઘરતીના ઊંડાણનું પાણી ભાંગી ને ઘોઘમાં પડવાનો અવાજ મને સંભળાય છે. તમારા બધા મોજાઓ અને મોટા મોજાઓ મારા પર ફરી વળ્યાઁ છે.
- 8 અને છતાં યહોવા મારા માટે તેમનો સાચો પ્રેમ પ્રતિદિન દર્શાવે છે. અને રોજ રાત્રે હું તેમના સ્તુતિગીત ગાઉં છું , એટલે મારા જીવનદાતા દેવની પ્રાર્થના કરું છું.
- 9 દેવ મારા ખડક છે, હું તેમને કહીશ કે, “તમે કેમ મને ભુલી ગયા? મને કેમ તજી દીધો છે? શા માટે શત્રુઓના જુલમ મારે સહન કરવા પડે?”
- 10 તારો દેવ ક્યાં છે એમ મશ્કરીમાં રોજ પૂછીને મારા શત્રુઓના મહેણાં મારા હાડકાં ને કચરી નાખે છે.
- 11 હે મારા આત્મા, શા માટે તું આટલો દુ:ખી છે? તું શા માટે આટલો અસ્વસ્થ અને વ્યાકુળ બની ગયો છે? દેવની મદદ માટે રાહ જો! જે મારા મુખનું તારણ તથા મારો દેવ છે, તેનું હું હજી સ્તવન કરીશ.
Psalms 042
- Details
- Parent Category: Old Testament
- Category: Psalms
ગીતશાસ્ત્ર પ્રકરણ 42